રાજકોટમાં ઈલેક્ટ્રિક સિટી બસો તપી જતાં સેવાને બંધ કરવી પડી
ગુજરાતના ગરમ શહેરોમાં મોંઘીદાટ ઈલે.બસોની સફળતા સામે સવાલો : શહેરમાં 46 સે. તાપમાન : બસમાં 50 સે.એ પહોંચતા આપોઆપ બંધ થાય : 28માં માત્ર 3 બસ ચાલુ રાખી, 25,000 લોકોને મૂશ્કેલી
રાજકોટ, : રાજકોટમાં આજે તાપમાનનો પારો 46 સે.એ પહોંચી જતા અને મહાપાલિકા દ્વારા ખાસ કરીને બી.આર.ટી.એસ.રૂટ પર ચાલતી ઈલેક્ટ્રીક સિટી બસોમાં હીટરમાં પારો 48 સે.એ પહોંચી જતા લાલલાઈટથી એરર દર્શાવતા મોટાભાગની સિટી બસોને બંધ કરી દેવાઈ હતી. જેના કારણે આશરે 25,000 થી વધુ મુસાફરોએ ધોમધખતા તાપમાં એ.સી.બસને બદલે ઉંચા ભાડા ખર્ચીને ઓટોરિક્ષા સહિત વાહનોમાં જવું પડયું હતું.માધાપર ચોકથી ગોંડલ ચોક વચ્ચે 10.7 કિ.મી.ના બી.આર.ટી.એસ.રૂટ પર રોજ 28થી 30,000 લોકો સિટી બસમાં મુસાફરી કરે છે.
આ અંગે મનપાની રાજકોટ રાજપથ લિ.ના સૂત્રો અનુસાર ઈલેક્ટ્રીક બસમાં તાપમાન 50- 51 સે.એ પહોંચે એટલે જ્યાં હોય ત્યાં ઓવરહીટથી ઓટોમેટિક કંટ્રોલ દ્વારા જ બંધ થઈ જાય છે અને તે પહેલા બસમાં એરર દેખાય છે, સવારે અનેક બસોમાં 48 સે.તાપમાને એરર આવી હતી જેના કારણે સેન્સરથી જેના ડોર ખુલે છે તે બીઆરટીએસ સિટી બસ ચલાવવી મૂશ્કેલ હતી અને સાંજ સુધીમાં 28માંથી 25 બંધ બંધ કરાઈ હતી અને ત્રણ ચાલુ રખાઈ હતી. આ અંગે એજન્સી સાથે તાકીદે બેઠક યોજવામાં આવી હતી.
વધુમાં મનપાના અધિકારી મનીષ વોરાએ જણાવ્યું કે ઈલેક્ટ્રીક બસોમાં 50-51 સે.એ તાપમાન પહોંચે ત્યારે ઓવરહીટીંગથી તે આપોઆપ બંધ થઈ જાય તેવો કંટ્રોલ હોય છે. સુરતમાં ઓવરહીટીંગથી બસમાં આગની ઘટના પણ બની હતી જે અન્વયે મનપા કોઈ જોખમ લેતી નથી. જો કે સી.એન.જી.ચાલિત 100 જેટલી સિટી બસો ચાલુ રહી હતી. ગુજરાતમાં રાજકોટ જેવા શહેરોમાં તાપમાન સતત વધતું રહે છે ત્યારે ઈલેક્ટ્રીક બસો તે માટે સક્ષમ છે કે કેમ તે સવાલો સર્જાયા છે.