મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝુંબેશ
Electoral Rolls Reform Program : એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત રાજ્યભરમાં તા.17 નવેમ્બર તથા તા.23 અને 24 નવેમ્બર, 2024 ના રોજ ખાસ ઝુંબેશ દિવસ યોજવામાં આવશે.
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત યોજાનાર ખાસ ઝુંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી બુથ લેવલ ઑફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. આગામી તા.01.01.2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. સાથે જ જે યુવાઓના તા.01.01.2025 થી તા.01.10.2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ ઍડવાન્સ ઍપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટરમાં તેમનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.
આ પણ વાંચો : હવે તમે તમારા ફોનથી જ ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ Voter Id કાર્ડ, સરળ છે તેની પ્રોસેસ
ખાસ ઝુંબેશના દિવસો સિવાય તા.28.11.2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકશે. સાથે જ જરૂર જણાયે અરજી પણ રજૂ કરી શકશે.
આ પણ વાંચો : પહેલીવાર આધાર કાર્ડ કઢાવો છો? તો આ નવો નિયમો જાણી લેવો જરૂરી
ખાસ ઝુંબેશના દિવસોએ મતદાન કેન્દ્રો પર ઉપસ્થિત બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય દિશાનિર્દેશ આપવા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારી સહિત રાજ્યના ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારતના ચૂંટણી પંચની મતદારયાદીને લગતી માર્ગદર્શિકા અનુસારની કાર્યપ્રણાલીનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા તમામ જિલ્લાના વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત પણ લેવામાં આવશે.
ન્યાયી અને સુગમ ચૂંટણીઓ માટે મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા ખાસ ઝુંબેશ દિવસ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે.
ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરશો?
પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની Voter Helpline App અને ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ http://voters.eci.gov.in/ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની વેબસાઈટ https://ceo.gujarat.gov.in/Index પરથી ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.