Get The App

આજે ચૂંટણીનું મતદાન : ઉમેદવારોના ધમપછાડા બંધ, હવે મતદાતા 'બોસ'

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
આજે ચૂંટણીનું મતદાન : ઉમેદવારોના ધમપછાડા બંધ, હવે મતદાતા 'બોસ' 1 - image


- સવારે 7 થી સાંજે 6 કલાક સુધી મતદાન યોજાશે, પોલીંગ સ્ટાફ અને પોલીસ ફોર્સે મોરચો સંભાળ્યો

- ભાવનગર અને બોટાદ જિલ્લામાં 156 બેઠકના નવા પ્રજાસેવકનું ભાવિ ઈવીએમમાં કેદ થશે, નગરપાલિકાઓમાં 2.8 લાખથી વધુ મતદાતા, ચાર તાલુકા પંચાયતની 6 બેઠકમાં 37,754, મનપાની એક બેઠકમાં 43,024 અને બોટાદ જિલ્લા પંચાયતની એક બેઠકમાં 16,961 મતદાતાનો મતાધિકાર : બળવો કરી ચૂંટણી લડતા ઉમેદવારો બાજી બગાડી શકે, આપ અને અપક્ષ ઉપર પણ નજર

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે રવિવારે મતદાન સાથે ૧૫૬ બેઠકના નવા પ્રજાસેવકનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. મનપા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણીમાં ત્રણ લાખથી વધુ મતદારો પાસે મતાધિકાર હોય, કયાં પક્ષને સત્તા ઉપર લાવવો, કયાં ઉમેદવારને વોર્ડ-બેઠકનું પ્રતિનિધિત્વ સોંપવું ? તેનો દારોમદાર અકળ મતદાતા ઉપર રહેશે.

ભાવનગર જિલ્લાની સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની ૯૨ બેઠકની સામાન્ય ચૂંટણી, તળાજા તાલુકા પંચાયતની ૩૦-ઉંચડી, ૧૬-નવાજૂઆ રાજપરા, ભાવનગર ગ્રામ્ય તા.પં.ની ૧૧-લાખણકા, સિહોર તા.પં.ની ૨૧-વળાવડ, ૧૮-સોનગઢ બેઠક અને ભાવનગર મનપાના વોર્ડ નં.૩માં ૧ બેઠક માટે આવતીકાલે તા.૧૬-૨ને રવિવારે પેટા ચૂંટણી યોજાશે. તેમજ બોટાદ જિલ્લામાં બોટાદ ન.પા.ની ૩૨ બેઠક માટે મધ્યસત્ર, બોટાદ જિલ્લા પંચાયતની ૧૪-પાળિયાદ સીટ માટે પેટા ચૂંટણી અને ગઢડા ન.પા.ની ૨૪ બેઠક માટે સામાન્ય ચૂંટણીનું કાલે મતદાન થશે. નિયમાનુસાર પ્રચાર પડઘમ શાંત પડતાની સાથે જ ઉમેદવારોના જાહેર સભા, સરઘસના ધમપછાડા બંધ થઈ ગયા બાદ પણ અંતિમ કલાકો સુધી રાજકીય પક્ષો, ચૂંટણી લડવા ઉભેલા ઉમેદવારો, કાર્યકરોએ મતદારોને રિઝવવા માટેના તમામ પ્રયાસો કર્યો હતો. તો બીજી તરફ ચૂંટણી નિર્ભયતાથી સંપન્ન થાય તે માટે ચૂંટણી અને પોલીસ તંત્રે પણ તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે. બન્ને જિલ્લામાં ઉભા કરાયેલા જુદા-જુદા સ્ટ્રોગરૂમ-રિસિવિંગ સેન્ટરો પરથી ચૂંટણી ફરજમાં રહેલા કર્મચારીઓને ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણી સાહિત્યની વહેચણી કરી તેમના મતદાન મથકો ઉપર મોકલી દેવામાં આવ્યા હતા. મતદાનના એક દિવસ અગાઉ જ પોલીસે પણ મોરચો સંભાળી ડયૂટી ફાળવી પેટ્રોલીંગ કરી ડયૂટી પોઈન્ટ પર કર્મચારીઓને બેસાડી દીધા હતા.

ભાવનગર અને બોટાદ જિલ્લામાં ૧૫૬ બેઠક પર આવતીકાલે સવારે ૭થી સાંજે ૬ કલાક સુધી મતદાન થશે. બન્ને જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ૨.૮ લાખથી વધુ મતદાતા, ચાર તાલુકા પંચાયતની છ બેઠકમાં ૩૭,૭૫૪, ભાવનગર મનપાની એક બેઠકમાં ૪૩,૦૨૪ અને બોટાદ જિલ્લા પંચાયતની એક બેઠકમાં ૧૬,૯૬૧ મળી કુલ ૩,૦૫,૭૪૫ મતદારો પાસે મતાધિકાર હોય, જેથી હવે કાલે મતદાતાઓ ઉમેદવારોના 'બોસ' બની ઈવીએમમાં વોટનું બટન દબાશે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બળવો કરી ચૂંટણી લડતા ઉમેદવારો મુખ્ય પક્ષોની બાજી બગાડી શકે તેમજ આ ચૂંટણીમાં આપ અને અપક્ષ ઉમેદવારો કોના મત કાપશે ? તેના ઉપર પણ રાજકીય વિશ્લેષકોની નજર રહેશે.

સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની પોલીસ ફોર્સ મુકાશે

આવતીકાલની ચૂંટણીમાં મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે ખાસ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત સતત પોલીસ પેટ્રોલીંગનો પણ એક્શન પ્લાન તૈયાર કરીને રાખવામાં આવ્યો છે. સિહોર, ગારિયાધાર, તળાજા, બોટાદ અને ગઢડા ન.પા.ની ચૂંટણીમાં ૭૭ મતદાન મથકને સંવેદશનશીલ બૂથની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાની ત્રણ તા.પં.ની પાંચ બેઠકમાં ૭ અને ભાવનગર મહાપાલિકાની પેટા ચૂંટણીમાં ૨૧ સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા છે.

ગઢડા પાલિકા ચૂંટણી માટે એક રિઝર્વ સાથે ત્રણ ઝોનલ રૂટ નક્કી કરાયા

ગઢડા નગરપાલિકાની ચૂંટણી અન્વયે ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી હતી. અગાઉ સાત વોર્ડની ૨૮ બેઠક માટે ચૂંટણી થવાની હતી. પરંતુ વોર્ડ નં.૧ બિનહરીફ થતાં હવે ૬ વોર્ડની ૨૪ બેઠક માટે ચૂંટણી થશે. આ માટે ૧૨ સંવેદનશીલ મતદાન મથક મળી ૨૩ બૂથ પર આવતીકાલે રવિવારે સવારે ૭ કલાકથી મતદાન થશે. જે માટે એક રિઝર્વ મળી ત્રણ ઝોનલ રૂટ નક્કી કરાયા છે. કુલ ૧૪૧ કર્મચારી ચૂંટણી કામગીરીમાં તૈનાત કરાયા છે. ન.પા.ની ચૂંટણીમાં ૧૦૮૫૦ પુરૂષ અને ૧૦૨૭૭ સ્ત્રી તેમજ એક ત્રીજી જાતિના ઉમેદવાર મળી કુલ ૨૧,૧૮૮ મતદાર નોંધાયા છે. ગઢડાના કમલમ નગરપાલિકાના હોલમાં રિસિવિંગ સેન્ટર રહેશે અને ૧૮મીએ અહીં જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મતદાન માટે ચૂંટણીકાર્ડ ઉપરાંત 14 દસ્તાવેજી પુરાવા માન્ય રહેશે

આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનારા મતદાનમાં જો કોઈ મતદાર ચૂંટણીકાર્ડ રજૂ ન કરી શકે તો તેઓના અન્ય ૧૪ દસ્તાવેજી પુરાવા પણ માન્ય રહેશે. જેમાં પાસપોર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, કેન્દ્ર-રાજ્ય, જાહેર સાહસો અથવા પબ્લિક લિ. કંપનીઓ તરફથી કર્મચારીને આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખકાર્ડ તેમજ ચૂંટણી તારીખથી એક માસ પહેલા ઈસ્યુ કરાયેલા પબ્લિક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસોની ફોટો સાથેની પાસબુક, અનુ. જાતિ/અનુ. આદિજાતિ, ઓબીસીનું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો, કેન્દ્ર-રાજ્ય સરકારે સ્વતંત્રતા સૈનિકના ફોટો સાથેના આપેલા ઓળખકાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ, સક્ષમ અધિકારીનું વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, મનરેગા હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેના જોબ કાર્ડ અને ઈએસઆઈ હેઠળ આપવામાં આવેલું ફોટા સાથેનું ઓળખકાર્ડ  તથા એનપીઆર સ્કીમ હેઠળ આરજીઆઈ દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ અને આધારકાર્ડ પણ માન્ય રહેશે.

જોડણી કે ક્લેરિકલ ભૂલના કારણે મતદાનથી વંચિત નહીં રાખી શકાય

મતદાન મથકે આવનાર મતદારના ચૂંટણીકાર્ડમાં ક્લેરિકલ કે જોડણીની ભૂલ હોય તો તેના વાંકે મતદાતાને મતદાનથી વંચિત રાખી નહીં શકાય. મતદારને મત આપવા માટે આવી ભૂલો ધ્યાને નહીં લેવા તેમજ ચૂંટણીકાર્ડ અન્ય વિધાનસભા મત વિસ્તારનું હોય તો પણ મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવાના હેતુસર માન્ય રાખવા રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આદેશ કરાયો છે.

કઈ નગરપાલિકામાં કેટલા મતદાર

નગરપાલિકા

પુરૂષ

સ્ત્રી

અન્ય

કુલ મતદાર

સિહોર

૨૪૩૧૪

૨૨૩૯૧

૦૦

૪૬૭૦૫

ગારિયાધાર

૧૩૯૬૦

૧૩૦૪૯

૦૦

૨૭૦૦૯

તળાજા

૫૦૧૧૨

૪૭૦૯૪

૦૧

૨૩૪૯૩

બોટાદ

૪૬૨૨૪

૪૩૪૪૦

૦૫

૮૯૬૭૧

ગઢડા

૧૦૮૫૦

૧૦૨૭૭

૦૧

૨૧૧૨૮


Google NewsGoogle News