Get The App

આણંદ જિલ્લાની 3 પાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી, ત્રણે પાલિકામાં બિનહરીફ ચૂંટાવાની શક્યતા

Updated: Mar 5th, 2025


Google News
Google News
આણંદ જિલ્લાની 3 પાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી, ત્રણે પાલિકામાં બિનહરીફ ચૂંટાવાની શક્યતા 1 - image


Anand Nagarpalika : આણંદ જિલ્લાની આંકલાવ, ઓડ અને બોરિયાવી પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખની બુધવારે ચૂંટણી યોજાશે. રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે ઓડમાં સામાન્ય, બોરિયાવીમાં મહિલા પછાત અને આંકલાવમાં મહિલા સામાન્ય ઉમેદવાર પ્રમુખ પદ મેળવી શકશે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે સભ્યોએ રાજકીય આકાઓનું શરણું લીધું હતું. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આણંદ જિલ્લામાં ઓડ નગરપાલિકામાં ભાજપે 24માંથી તમામ બેઠકો જીતી ક્લીન સ્વીપ મેળવી હતી. જ્યારે બોરીયાવીમાં 24માંથી 15 બેઠકો જીતી બહુમતી હાંસલ કરી હતી. જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં 24માંથી 10 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ અપક્ષ તરીકે ચૂંટાયેલા પાંચ કાઉન્સિલરોએ ભાજપનો ખેસ ધારણ કરતાં ભાજપનું સંખ્યાબળ 15 સુધી પહોંચતા ભાજપને બહુમતી મળી હતી. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલા સભ્યો દ્વારા આંકલાવ અને બોરીયાવી નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અનેક સભ્યોએ પોતાના રાજકીય આકાઓનું શરણું લીધું હતું. આણંદ જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બે દિવસ પૂર્વે જ ભાજપના નિરીક્ષકો દ્વારા કમલમ ખાતે ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે બેઠક યોજવામાં આવી હતી અને સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચેનલો બનાવી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં વિગતો મોકલી આપવામાં આવી હતી. 

પાંચમી માર્ચના રોજ આણંદની ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. ત્રણેય નગરપાલિકાની પ્રથમ બેઠકમાં પ્રારંભિક અઢી વર્ષ માટે પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરાશે. ઓડ ખાતે આણંદ પ્રાંત અધિકારી, બોરિયાવીમાં જમીન સુધારણાના નાયબ કલેક્ટર અને આંકલાવ ખાતે બોરસદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાશે. આણંદ જિલ્લાની તમામ પાલિકામાં અઢી વર્ષ શાસન માટે ગત વર્ષે રોટેશન જાહેર કરાયું હતું. જે મુજબ આણંદ જિલ્લાની ઓડમાં સામાન્ય, બોરિયાવીમાં મહિલા પછાત અને આંકલાવમાં મહિલા સામાન્ય બેઠક પર પ્રમુખ પદ મેળવશે. 

ત્રણે પાલિકામાં બિનહરીફ પ્રમુખ- ઉપપ્રમુખ ચૂંટાવાની શક્યતા

આણંદ જિલ્લાની આંકલાવ, ઓડ અને બોરીયાવી નગરપાલિકામાં ભાજપની બહુમતી હોવાથી ત્રણેય પાલિકાઓમાં ભાજપ સત્તા મેળવે તેવી પ્રબળ શક્યતા છે. ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદના નામ માટે મેન્ડેટ આપવાની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્રણેય પાલિકાઓમાં ભાજપની બહુમતી હોવાથી પ્રમુખ- ઉપપ્રમુખની વરણી બિનહરીફ થવાની પ્રબળ શકયતા છે. બીજી તરફ ભાજપ મોવડી મંડળ દ્વારા પ્રમુખ- ઉપપ્રમુખ પદના નામોની પસંદગી અગાઉથી જ કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે. 

Tags :
Election-of-president-and-vice-president3-municipalitiesAnand-district-today

Google News
Google News