બોટાદ નગરપાલિકની મધ્યસત્ર ચૂંટણી યોજાશે, 11 વોર્ડની 44 બેઠક માટે 27 મીથી ફોર્મ ભરાશે
- ન.પા. બે વર્ષ અગાઉ સુપરસીડ થતા હાલ વહીવટદારનું શાસન
- બોટાદ જિલ્લા પંચાયતની એક અને બોટાદ તા.પં.ની તુરખા અને રાણપુર તા.પં.ની માલણપુર બેઠકની પેટા ચૂંટણી યોજાશે
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર બોટાદ જિલ્લામાં નગરપાલિકાઓ/જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર તરફથી નકકી કરવામાં આવ્યો છે. જે મુજબ ફેબુ્રઆરી-૨૦૨૫માં મધ્યસત્ર ચૂંટણી હેઠળની નગરપાલિકાની વિગતો જોઈએ તો, બોટાદ જિલ્લામાં બોટાદ નગરપાલિકાનો સમાવેશ થાય છે. બોટાદ નગરપાલિકા બે વર્ષ અગાઉ સુપરસીડ થતા હાલ વહીવટદારનું શાસન છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. જેમાં પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે તા.૨૭ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થશે. ફેબુ્રઆરી-૨૦૨૫માં સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાની વિગતો જોઈએ તો, ગઢડા નગરપાલિકાની ચૂંટણી યોજાશે.
ફેબુ્રઆરી-૨૦૨૫માં પેટા ચૂંટણી હેઠળની જિલ્લા પંચાયતની વિગતોમાં બોટાદ જિલ્લા પંચાયતની ૧૪-પાળીયાદ બિન અનામત સામાન્ય તેમજ બોટાદ તાલુકા પંચાયતની ૨૧-તુરખા બિન અનામત સામાન્ય બેઠક અને રાણપુર તાલુકા પંચાયતની ૧૦- માલણપુર બિન અનામત સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ ચૂંટણી જાહેરાતની તા. ૨૧-૧, જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તા. ૨૭-૧, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૧-૨, ઉમેદવારી પત્રોની ચકાસણીની તા. ૩-૨, ઉમેદવારી પાછી ખેચી લેવા માટેની છેલ્લી તા. ૪-૨, મતદાનની તા. ૧૬-૨ (રવિવાર) (સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી),પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા. ૧૭-૨, મતગણતરીની તા. ૧૮-૨ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. ૨૧-૨ રહેશે.