Get The App

ચૂંટણી કાઉન્ટ-ડાઉન : 1118 પોલીંગ સ્ટાફ અને 481 પોલીસ સ્ટાફને ચૂંટણી જવાબદારી સોંપાઈ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
ચૂંટણી કાઉન્ટ-ડાઉન : 1118 પોલીંગ સ્ટાફ અને 481 પોલીસ સ્ટાફને ચૂંટણી જવાબદારી સોંપાઈ 1 - image


- દરેક વોર્ડ અને દરેક બેઠક માટે એક-એક આરઓ અને એઆરઓ

- સૌથી વધુ સ્ટાફ સિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ફાળવાયો

ભાવનગર : ભાવનગર જિલ્લામાં મનપા, ન.પા. અને તાલુકા પંચાયતની સામાન્ય-પેટા ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચુક્યું છે. આગામી રવિવારે ત્રણેય પાલિકાની સાથે મનપાની એક બેઠક અને તાલુકા પંચાયતની પાંચ બેઠક માટેની ચૂંટણી યોજાનાર હોય, વહીવટી તંત્ર દ્વારા આ ચૂંટણી પ્રક્રિયામાં દરેક વોર્ડ અને દરેક બેઠક ૧૧૧૮ પોલીંગ અને ૪૮૧ પોલીસ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પોલીંગ અને પોલીસ સ્ટાફની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. સિહોર ન.પા.ના નવ વોર્ડની ચૂંટણી હોવાથી ૩૮૫ પોલીંગ અને ૧૫૮ પોલીસ સ્ટાફને જવાબદારી સોંપાઈ છે. જ્યારે ગારિયાધાર ન.પા.ના સાત વોર્ડની ચૂંટણી માટે ૧૭૫ પોલીંગ અને ૬૮ પોલીસ સ્ટાફ તેમજ તળાજા પાલિકાની ચૂંટણી માટે ૧૫૦ પોલીંગ અને ૬૯ પોલીસ સ્ટાફ મળી ત્રણેય ન.પા. માટે ૭૧૦ પોલીંગ સ્ટાફ, ૨૯૫ પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં તળાજા તાલુકા પંચાયતની ઉંચડી સીટ માટે ૪૮ પોલીંગ સ્ટાફ અને નવા-જૂના રાજપરા સીટ માટે ૪૨ પોલીંગ સ્ટાફની નિમણૂક અપાઈ છે. આ બન્ને સીટની પેટા ચૂંટણી માટે કુલ ૩૫ પોલીસ કર્મચારી ફરજ બજાવશે. ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની લાખણકા સીટ માટે ૩૦ પોલીંગ સ્ટાફ અને ૧૨ પોલીસ સ્ટાફ તેમજ સિહોર તા.પં.ની વળાવડ બેઠક માટે ૪૮ પોલીંગ સ્ટાફ, સોનગઢ સીટની ચૂંટણી માટે ૩૦ પોલીંગ સ્ટાફ ઉપરાંત બન્ને બેઠકની ચૂંટણી દરમિયાન ૩૭ પોલીસ કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ૨૧૦ પોલીંગ સ્ટાફ અને ૧૦૨ પોલીસ કર્મચારી મતદાનના દિવસે ફરજ બજાવશે. આમ, ત્રણેય નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ત્રણ તા.પં. અને મનપાની પેટા ચૂંટણી માટે કુલ ૧૧૧૮ પોલીંગ અને ૪૮૧ પોલીસ સ્ટાફને તેમજ દરેક વોર્ડ અને દરેક બેઠક માટે એક-એક આરઓ અને એઆરઓને ચૂંટણી જવાબદારી સોંપવામાં આવી હોવાનું સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યું છે.


Google NewsGoogle News