શાસકપક્ષ ભાજપના ધારાસભ્યોનું હલ્લાબોલ: 'ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઇ મહત્ત્વ નથી માત્ર અધિકારીઓનું રાજ ચાલે છે'
Uproar of the MLAs of the ruling BJP : ગુજરાતની રાજનીતિએ અલગ દિશા પકડી છે. સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો એક પછી એક અધિકારીઓને નિશાન બનાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપના 12 ધારાસભ્યોએ સરકાર અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો છે જેમાં યોગેશ પટેલ, ધવલસિંહ ઝાલા, અરવિંદ રાણા, કેતન ઇનામદાર, અભેસિંહ તડવી, અમૂલ ભટ્ટ, ડીકે સ્વામી, શામજી ચૌહાણ, કુમાર કાનાણી, જનક તળાવિયા, સંજય કોરડિયા અને હવે જીતુ સોમાણીનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ જાહેરમાં અધિકારીઓનો ઉધડો લઇ લીધો છે. આમ થવાનું મુખ્ય કારણ સરકાર તેમના પ્રતિનિધિઓનું જ સાંભળતી નથી. પ્રજાના ચૂંટાયેલા સભ્યો કરતાં સરકાર વધુ મહત્વ અધિકારીઓને આપી રહી છે. સચિવાલયની જેમ જ જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે અને તેનો વસવસો આ ધારાસભ્યો જાહેરમાં વ્યક્ત કરી રહ્યાં છે.
ભ્રષ્ટાચાર ક્યાંથી દૂર થાય, જ્યાં તપાસ જ 'નાટક' છે
ગુજરાતના વિભાગો અને જાહેર સાહસોમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકર્યો છે કે ભ્રષ્ટ અધિકારીને બચાવવા તપાસ અધિકારીઓ મેદાને પડયાં છે. આવા કેસોમાં હજી સુધી પ્રાથમિક તપાસ પણ પૂર્ણ થઇ નથી તેનું મુખ્ય કારણ એવું છે કે જે નિવૃત્ત અધિકારીને તપાસ સોંપવામાં આવે છે તે ભ્રષ્ટ અધિકારીને છાવરવાની પ્રવૃત્તિ કરે છે. સરકારી કચેરીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચારની 32,000 કરતાં વધુ ફરિયાદો થયેલી છે જે પૈકી 3300 અધિકારી-કર્મચારીઓ સામે પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે છતાં વિભાગો તરફથી પૂરતી માહિતી આપવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ 3000 ફરિયાદો શહેરી વિકાસ વિભાગમાં, 1800 મહેસૂલ વિભાગમાં અને 1200 ફરિયાદ પંચાયત અને ગૃહ વિભાગમાં સરખી જોવા મળી હતી, જ્યારે પ્રાથમિક તપાસના કુલ પડતર કેસો પૈકી સૌથી વધુ 450 મહેસૂલ, 370 શહેરી વિકાસ અને 350 પંચાયત વિભાગના છે.
શહેરી વિકાસના છ કાયદા વર્ષોથી અપડેટ થયા નથી
રાજ્યના શહેરી વિકાસના કાયદા વર્ષોથી અપડેટ થયાં નહીં હોવાથી સામાન્ય નાગરિકોને ન્યાય અપાવવામાં સરકાર ઉણી ઉતરી રહી છે. ફાયર સેફ્ટિની જેમ હોસ્પિટલ રેગ્યુલેશનને 13 વર્ષ, હોટલ રેગ્યુલેશને 8 વર્ષ, રેસિડેન્શિયલ ટાઉનશીપને 15 વર્ષ તેમજ વેસ્ટ ટુ એનર્જી પોલિસીને આઠ વર્ષનો સમય થઇ ચૂક્યો છે. એ ઉપરાંત જાહેર જમીનો પર આવેલી ઝૂંપડપટ્ટીઓનું પીપીપી દ્વારા પુનર્વસન કરવા માટેની નીતિ 11 વર્ષ જૂની છે અને ઝૂંપડાવાસીઓના પુનર્વસન એન્ડ પુનર્વિકાસ માટેના નિયમો 14 વર્ષ જૂના છે છતાં તેને સુધારવાની તસદી કોઇપણ અધિકારી કે મંત્રીએ લીધી નથી. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની દુર્ઘટનાએ સાબિત કર્યું છે કે શહેરી વિકાસ વિભાગમાં હજી ઘણાં સુધારા કરવાની આવશ્યકતા છે, કારણ કે ગેમિંગ ઝોન અને એન્ટરટેઇનમેન્ટ ઝોન માટેના કોઇ કાયદાનો ઉલ્લેખ સરકારી ફાઇલોમાં જોવા મળ્યો નહીં હોવાથી હવે સરકાર તેનો સમાવેશ કરી રહી છે.
પશુધન રામભરોસે : 4.42 કરોડ ચો.મી. ગૌચરમાં દબાણો
પશુઓને ચરવાના ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા બોટાદની ગઢડા તાલુકા પંચાયતમાં માલધારીઓએ હલ્લાબોલ કર્યું હતું. તેઓ તેમની ગાયો સાથે કચેરીમાં ઘૂસી જતાં કર્મચારીઓમાં નાસ-ભાગ મચી ગઇ હતી. આ તો એક દાખલો છે પરંતુ આવા અનેક દાખલા ભવિષ્યમાં બની શકે છે, કારણ કે ગૌચરની જમીનનો સરકારોએ દાટવાળી દીધો છે. હાલની સ્થિતિએ રાજ્યમાં બે કરોડ પશુઓ સામે માત્ર આઠ લાખ હેક્ટર જમીનમાં ગૌચર બચ્યાં છે. મહેસૂલ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે ગૌચરની 4420.96 હેક્ટર એટલે કે આશરે 4,42,09,802 ચોરસમીટર જમીન પર ગેરકાયદે દબાણો ઉભા થયેલા છે. રાજ્ય સરકારે 2015માં ગૌચર નીતિ બનાવી હતી પરંતુ તેનો અમલ આજદિન સુધી થઇ શક્યો નથી. રાજ્યના ત્રણ હજાર ગામોમાં એક ઇંચ પણ ગૌચર બચ્યું નથી.
ગુજરાતમાં એફડીઆઈની સાથે બેરોજગારી પણ વધી એ કેવું
ગુજરાતમાં ગયા વરસે કેટલું સીધું વિદેશી રોકાણ આવ્યું તેના આંકડા હમણાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાયા છે. આ આંકડા પ્રમાણે ગુજરાતમ 2023-24ના નાણાંકીય વર્ષમાં 7.3 અબજ ડોલરના આંકડા સાથે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે જ્યારે 55 ટકાના ગ્રોથ સાથે એફડીઆઈના ગ્રોથ રેટમાં તો પહેલા નંબરે છે. મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં લગભગ બમણું 15.01 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. ગુજરાતમાં વિદેશી રોકાણના આંકડા પ્રભાવશાળી છે તેમાં બેમત નથી પણ આંચકાજનક વાત એ છે કે, ગુજરાતમાં એફડીઆઈનું પ્રમાણ વધી રહ્યું છે છતાં બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. 2023ના માર્ચમાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ 1.8 ટકા હતું કે જે આ વર્ષે વધીને 2.3 ટકા થઈ ગયું છે. મતલબ કે ગુજરાતમાં બેરોજગારીના પ્રમાણમાં 25 ટકાથી વધારેનો વધારો નોંધાયો છે.
મહિલા કોન્સ્ટેબલની મોટા રાજકીય નેતા સુધી પહોંચ
કચ્છમાં દારૂ અને બુટલેગર સાથે ઝડપાયેલી સીઆઇડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે પરંતુ તેની પર ઉત્તર ગુજરાતના એક રાજકીય નેતાનું પીઠબળ છે તેથી તેને આંચ આવે તેમ નથી. કહેવાય છે કે આ દારૂ રાજસ્થાન મારફતે કચ્છ લાવવામાં આવ્યો હતો. આ મહિલા કોન્સ્ટેબલ અગાઉ હાઇ પ્રોફાઇલ કેસમાં ફસાઇ હતી પરંતુ રાજકીય નેતાએ તેને બચાવી લીધી હતી. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ છે. રાજ્યમાં અગાઉ ચારેક વર્ષ પહેલાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો જેમાં તેણીને સસ્પેન્ડ કરવામાં આવી હતી પરંતુ થોડાં સમય પછી તેણીને ફરજ પર પાછી લઇ લેવામાં આવી હતી. હવે શું થશે તે સમય બતાવશે.
રાજ્યમાં જીએસટીની આવક વધી પણ એકમો ટપોટપ બંધ થયા
ગુજરાતમાં જીએસટીની આવકમાં દર મહિને વધારો થઇ રહ્યો છે પરંતુ નાના અને મધ્યમ એકમો ધીમે ધીમે બંધ પણ થઇ રહ્યાં છે. રાજ્ય કર વિભાગને જૂન 2024માં જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી 9589 કરોડની આવક પ્રાપ્ત થઇ છે જે ગયા વર્ષના જૂન કરતાં 14 ટકા વધારે છે. આ આવક પૈકી માત્ર જીએસટીની આવક 5561 કરોડ રૂપિયા છે. એક સર્વેક્ષણ પ્રમાણે જીએસટી લાગુ થયા પછી રાજ્યમાં ચાર લાખ ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે. ખુદ સ્ટેટ ટેક્સ વિભાગે સાત વર્ષમાં કુલ 4.05 લાખ જીએસટી નંબરો રદ કરી દીધા છે. આ કંપનીઓ બંધ થઇ છે અથવા તો મર્જ થઇ ચૂકી છે. રાજ્યમાં ઘણાં એવા એકમો છે કે જેમનો ધંધો ચાલતો નથી અને રિટર્ન ફાઇલ થતાં નથી તેથી તેમને દંડનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેટ ટેક્સના એક અમલદારે કહ્યું હતું કે બોગસ બિલિંગમાં સામેલ એકમો પર કડક કાર્યવાહી કરવામાં આવી હોવાથી પણ કંપનીઓ બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં 11.95 લાખ જીએસટી નંબર પૈકી 30 ટકા જેટલા રદ થયાં છે.
રાજ્યની જેલોમાં ઘેટાં-બકરાંની જેમ કેદીઓ પિસાય છે
ગુજરાતમાં બહુમાળી જેલોનું નિર્માણ કરવાની જાહેરાતને આજે 25 વર્ષ થયાં છતાં સરકારના વચનો પૂર્ણ થઇ શક્યા નથી પરિણામે મોટાભાગની જેલો ઓવરક્રાઉડેડ બની ચૂકી છે. રાજ્યમાં ચાર મધ્યસ્થ, 12 જિલ્લા, આઠ સબ, બે ખાસ જેલ અને ત્રણ ઓપન જેલ મળીને કુલ 30 જેલ આવેલી છે. ત્રણથી ચાર જેલને બાદ કરતાં બાકીની તમામ જેલોમાં કેદીઓને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવ્યા છે. ગોધરાની સબજેલમાં 133 પુરૂષ કેદીઓની ક્ષમતા સામે 313 કેદીઓ ભરાયેલા છે. મોરબીમાં 143 સામે 294 અને જૂનાગઢમાં 250ના સ્થાને 550 કેદીઓ વસવાટ કરે છે. પોરબંદરની જેલમાં તો વિક્રમ સર્જક 110 કેદીની ક્ષમતા સામે 214 કેદીઓ છે. અમદાવાદની સેન્ટ્રલ જેલમાં 2646 સામે 3699, વડોદરામાં 995 સામે 1687, રાજકોટમાં 1147 સામે 2079 અને લાજપોરમાં 2757 સામે 3065 કેદીઓ ભરાયેલા છે.
સુરતમાં ભાજપના દેખાવોમાં કાર્યકરો કરતાં પોલીસ વધારે
ગુજરાતમાં સુરત ભાજપનો ગઢ મનાય છે ત્યારે હમણાં રાહુલ ગાંધીના હિંદુ સમાજ અંગેની ટીપ્પણીઓનો વિરોધ કરવા માટે યોજાયેલો કાર્યક્રમ સુપર ફ્લોપ થઈ જતાં ભાજપમાં જ આશ્ચર્ય છે. રાહુલે લોકસભામાં હિંદુ સમાજને હિંસક ગણાવ્યો તેની સામે વિરોધ કરવા માટે સુરત શહેર ભાજપે કોંગ્રેસના કાર્યાલય સામે ગયા મંગળવારે દેખાવો કરવા કાર્યક્રમ રાખેલો. ભાજપ દેખાવો કરવાનો હોવાથી પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવીને પોલીસનો કાફલો ખડકી દીધો પણ વિરોધ માટે માંડ 100 કાર્યકરો દેખાતાં પોલીસ પણ આઘાત પામી ગઈ. ભાજપના કાર્યકરો કરતાં પોલીસને કાફલો વધારે હોય એવો સીન થઈ ગયો.
ભાજપ નેતાનો વીડિયો, દારૂ છાસની જેમ વેચાય છે
ગુજરાતમાં ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે અને ભાજપના નેતા-કાર્યકરો જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે તેનો પુરાવો હમણાં અમરેલીમાં ભાજપના નેતા વિપુલ દૂધાતે પૂરો પાડયો. જિલ્લા પંચાયતના સભ્ય દૂધાતે પોતે દારૂ પકડીને ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ છે એવું સાબિત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને સરકાર અને પોલીસ બંનેનો ફજેતો કરી નાંખ્યો.
દૂધાતે સોશિયલ મીડિયામાં એવો મેસેજ પણ મૂક્યો કે, મોટા લીલીયા ગામે છાશની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મજાની વાત એ છે કે, દૂધાતે દારૂ વેચનારાંને પકડતાં પહેલાં પોલીસને જાણ કરી હતી પણ પોલીસે કશું ના કરતાં ભાજપના નેતાએ પોતે પોલીસ બની જવું પડયું. ગુજરાતમાં આ સ્થિતિ બધે જ છે. ગુજરાતમાં દારૂબંધીના લિરેલિરા ઉડી ગયા છે અને આખા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ મળે જ છે.