ઈલે.બસ દિલ્હીની કંપનીની, કરાર વિશ્વમ સાથે થયો : ડ્રાઈવરો સ્થાનિકેથી પૂરા પડાયા
કરોડો રૂ।.ની સિટી બસોનાં સંચાલનમાં લાપરવાહી- ભ્રષ્ટ આચારની ગંધ : વિશ્વમ સિટી બસ સાથે જૂલાઈ- 2022માં કોન્ટ્રાક્ટ બાદ અનેક નોટિસો, પેનલ્ટી છતાં કડક પગલાં નહીં : એજન્સી રદ કરાતી નથી
રાજકોટ, : રાજકોટમાં અકસ્માતે નહીં પણ ગુનાહિત બેદરકારીના કારણે ઈન્દિરા સર્કલ ખાતે ઈલે.સિટી બસના ચાલકે ચાર ચાર નિર્દોષને કચડી નાંખી કમકમાટીભર્યા મોત નીપજાવ્યા અને ચારને ઈજા પહોંચાડી તે ઘટનામાં મનપાના સિટી બસ સંચાલનની પોલંપોલ પણ બહાર આવી છે. આ અંગે મનપામાં તપાસ કરતા પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ મહાપાલિકાએ ગ્રીન એનર્જી,ઝીરો એમીસનના નામ પર કેન્દ્ર સરકારના નિયમો અનુસાર ઈલેક્ટ્રીક બસોનો કોન્ટ્રાક્ટ 2017માં શરૂ થયેલ મેન્યુફેક્ચરર 'પીએમઆઈ ઈલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન્સ પ્રા.લિ.' નામની કંપનીને આપ્યો હતો. દરેક રૂ।.સવા કરોડની ગણાવાતી આ બસ ચલાવવા પ્રતિ કિ.મી. રૂ।. 53.91 લેખે કરોડો રૂ।.નું ચૂકવણું થતું હતું પરંતુ, બસ ચલાવનાર ડ્રાઈવરો રાજકોટના ભાજપના કાર્યકર મનાતા વિક્રમ ડાંગર દ્વારા પૂરા પડાયાનું બહાર આવ્યું છે.
મનપા સૂત્રો અનુસાર પીએમઆઈ કંપની દિલ્હીની છે અને તેણે બસો પૂરી પાડી છે, રાજકોટમાં આ કંપનીની 74 સિટી બસો તેમજ તેની સાથે જોડાયેલ અન્ય કંપનીની ૪૦ ઈલેક્ટ્રીક બસો સિટી બસ તરીકે ચાલે છે. મનપાની રાજકોટ રાજપથ લિ.એ તા.8-7-2022 ના રૂ।. 300ના સ્ટેમ્પપેપર ઉપર 'વિશ્વમ્ સિટી બસ ઓપરેશન્સ પ્રા.લિ.' સાથે કર્યો હતો. અધિકારીઓએ સ્વીકાર્યું કે આ કંપની દ્વારા સિટી બસ સંચાલનમાં વારંવાર અનિયમિતતાઓ બદલ લાખો-કરોડો રૂ।.ની તોતિંગ પેનલ્ટી કરવામાં આવી છે. કંપનીના કન્સલટન્ટ તરીકે કરતારસિંહ નામની વ્યક્તિને રોકાયા છે પરંતુ, ડ્રાઈવરો પૂરા પાડનાર તરીકે રાજકોટના વિક્રમ ડાંગર છે. આ વ્યક્તિ ભાજપના નેતા હોવાની ચર્ચા વહેતી થતા આ અંગે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે તેમની પાસે હાલ કોઈ હોદ્દો નથી.
ગંભીર વાત એ છે કે સિટી બસ સંચાલન માટે મનપાએ જેની સાથે કરાર કર્યો તેના સંચાલનમાં અનેકવાર અનિયમિતતાઓ છતાં મનપાના કમિશનર અને શાસકોએ હજુ સુધી ટેન્ડર-કરાર રદ કરવા કાર્યવાહી કરી નથી.
આજે અકસ્માત સર્જનાર ડ્રાઈવર પાસે વેલીડ લાયસન્સ નહીં હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત અકસ્માતના સીસીટીવી ફૂટેજ જોતા કોઈ વાહન વચ્ચે આવી જતા નહીં પરંતુ, આગળ પસાર થતા વાહનચાલકો પર રીતસર બસને ચડાવી દેવાઈ છે.આ ડ્રાઈવરોનું સિવિલ હોસ્પિટલમાં ફીટનેસ સર્ટિફિકેટ લેવાનો નિયમ ઘડાયો છે પરંતુ, તે પણ કાગળ પર રહ્યો છે. ઉપરાંત ડ્રાઈવરોને નિયમિત તાલીમ અપાતી નથી અને આવું અનેક લોલંલોલ ચાલતું હોવા છતાં મનપા ઉપરથી આદેશ મૂજબ બસો ખરીદીને અને એજન્સીને ઉંચા ભાવે કોન્ટ્રાક્ટ આપીને જવાબદારી પૂરી થયાનું માની છટકવાનો પ્રયાસ દર અકસ્માત વખતે કરતી રહી છે.