પાટડીના વડગામમાં વૃદ્ધાની હત્યા : 1.80 લાખના દાગીનાની લૂંટ
- લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ વૃદ્ધા જાગી જતાં મોત નિપજાવી નાસી છુટયાં
- શખ્સોએ વૃદ્ધા સાથે ઝપાઝપી કરી કાન કાપી નાખ્યો, સોનાની કડી, વારિયા અને હાથમાં પહેરેલા સોનાના પાટલાની લઇ નાસી છૂટયા
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના વડગામમાં મોડીરાત્રે એકલા રહેતા વૃદ્ધ મહિલાની લૂંટના ઈરાદે અજાણ્યા તસ્કરોએ હત્યા નિપજાવી છે. તસ્કરોએે મહિલાની હત્યા કરી કાન કાપી કાનમાં સોનાની કડી, વારીયા અને હાથમાં પહેરેલ સોનાના પાટલા સહિત અંદાજે ૧.૮૦ લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ અંગે મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવતા દસાડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વડગામમાં દેરાસર પાસે રહેતા શાંતિબેન શંકરભાઈ ડોડીયા (ઉ.વ.૭૨)ના પતિનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું. તેમના બે દિકરા પૈકી એક દિકરો બાજુના મકાનમાં રહે છે ત્યારે બીજો દિકરો ગામથી થોડે દૂર રહેતો હોવાથી શાંતિબેન ઘરે એકલા જ રહેતા હતા. દરમિયાન ગત મોડીરાત્રે તેઓ પોતાના ઘરમાં સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સો ચોરી તેમજ લૂંટના ઈરાદે ઘરમાં પ્રવેશ્યા હતા જે દરમિયાન શાંતિબેન અચાનક જાગી જતા અજાણ્યા શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી તિક્ષણ હથિયાર વડે હત્યા નિપજાવી હતી તેમજ વૃધ્ધાના કાન કાપી કાનમાં પહેરેલ સોનાની ૫ વારિયા (કડીઓ) અંદાજે એક તોલ, વારીયા અને હાથમાં પહેરેલ સોનાની બે બંગડી અંદાજે બે તોલા સહિત કુલ ત્રણ તોલા સોનાના દાગીના કિંમત રૂ.૧.૮૦ લાખની લૂંટ ચલાવી નાસી છુટયા હતા.
સમગ્ર બનાવ અંગે વૃધ્ધા પોતાના ઘરે એકલા રહેતા હોવાથી રાત્રે કોઈને જાણ થઇ નહોતી. બાજુમાં રહેતા દિકરાની પત્ની સવારે રાબેતા મુજબ ચા તેમજ નાસ્તો આપવા ગયા ત્યારે આ સમગ્ર બનાવની જાણ થઈ હતી. આથી બાજુમાં રહેતા ઈશ્વરભાઈએ અન્ય પરિવારજનો સહિત દસાડા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી હતી. લૂંટ અને હત્યા અંગે મૃતક વૃદ્ધાનો પુત્ર ઈશ્વરભાઈ શંકરભાઈ ડોડીયાએ દસાડા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા નીપજાવી નાસી છુટેલ શખ્સોને ઝડપી પાડવા તપાસના હાથ ધરી હતી.
પુત્રવધૂ ચા આપવા ગયા અને સમગ્ર મામલો બહાર આવ્યો
હત્યાનો ભોગ બનનાર શાંતિબેનના પુત્રવધૂ નબુબેન ડોડીયાના જણાવ્યા મુજબ તેઓ રાબેતા મુજબ બીજે દિવસે સવારે સાસુને ચા-પાણી આપવા ગયા હતા. મોઢે ઓઢાડેલું જોઈ તેમને જગાડવા બોલાવાનો પ્રયત્ના કર્યા હતા પરંતુ કોઈ જ જવાબ ન આપતા મોઢે ઓઢાડેલ કપડું દૂર કરતા સાસુના મોઢા પરથી ઈજાઓ પહોંચાડી કાન કાપેલી હાલતમાં જોવા મળ્યા હતા અને કાનમાં પહેરેલ સોનાની કડીઓ અને વારીયા તેમજ હાથમાં પહેરેલ સોનાની બંગડીઓ નજરે ન પડતા અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવી લૂંટ કરી હોવાનું જણાઈ આવતા પુત્રવધૂએ અન્ય લોકોને આ મામલે જાણ કરી હતી.