બોટાદ રોડ પર કારે અડફેટે લેતાં રિક્ષાસવાર વૃદ્ધનું મોત
- કાનિયાડ ગામના વૃદ્ધ રિક્ષામાં બેસી બોટાદ જતા હતા
- રિક્ષામાં સવાર અન્ય બે મહિલાને પણ ઈજા પહોંચી : બન્નેની સ્થિતિ સ્થિર,કારચાલક સામે મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી
બનાવની વિગત એવી છે કે, બોટાદના કનીયાડ ગામે રહેતા ૭૦ વર્ષીય વિરમભાઇ ટપુભાઈ કાલિયા રિક્ષામાં બેસીને પોતાના ગામથી બોટાદ જતા હતા તેવામાં બોટાદ રોડ પર આવેલા મેલડી માતાના મંદિર પાસે બોટાદ તરફથી આવી રહેલી કાર નબર જીજે.૦૬. એએક્સ .૭૩૫૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રિક્ષા સાથે ધડાકાભેર અથડાવી હતી.જેના કારણએ રિક્ષામાં સવાર વૃદ્ધ અને અન્ય બે મહિલાને ઈજા પહોંચી હતી. તમામને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવારમાં વૃદ્ધ વિરમભાઈનું મોત નિપજ્યું હતું. જયારે, અન્ય બે મહિલાની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે. જયારે, અકસ્માતના પગલે મૃતક વૃદ્ધના પુત્ર કનૈયાભાઈ વિરમભાઈ કાલિયાએ પાળીયાદ પોલીસ મથકમાં ઉક્ત નંબરની કારના ચાલક વિરૂધ્ધ પૂરઝડપે અને બેફિકરાઈથી કાર ચલાવી અક્સમાત સર્જી તેમના પિતાનું મોત નિપજાવ્યાની તથા બે મહિલાને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.