તું પોલીસને કેમ અમારી બાતમી આપે છે ?? ગોત્રી વુડાના મકાનમાં રહેતા વૃદ્ધ પર દારૂનો ધંધો કરતા શખ્સનો ખંજરથી હુમલો
Vadodara : તું મારી તથા મારા ભાઇની પોલીસને બાતમી આપી અમને પકડાવી દે છે તેમ કહીને દારૂનો ધંધો કરતા શખ્સે વૃદ્ધ પર ખંજરથી હુમલો કર્યા બાદ પણ માર માર્યો હતો. જેથી વૃદ્ધે લક્ષ્મીપુરા વિસ્તારમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા વુડાના દીન દયાળનગરમાં રહેતા જગદીશભાઇ ઉદેસિંહ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છુ. તા. 9 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે હું મારા બ્લોક નીચે ઉભો હતો. ત્યારે યશ ઉર્ફે લચ્છી દારૂ પીધેલી હાલતમા મારી પાસે આવ્યો હતો. ત્યારબાદ કહેવા લાગ્યો હતો કે તું પોલીસનો બાતમીદાર છે તું મારી તથા મારાભાઇની બાતમી પોલીસને કેમ આપે છે અને પકડાવી છે ? તેમ કહી હું તને મારી નાખીશ તેવી ધમકી આપી મારા પર હુમલો તથા ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્યારબાદ મને માર મારતા આજુબાજુના રહીશોએ મને બચાવ્યો હતો. બંને ભાઇઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી યશ ઉર્ફે લચ્છીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.