ઘોઘારોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત
- મૃતકના પુત્રએ કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
- મિત્રના પૌત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા ત્યારે વૃદ્ધ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રૂપાણી સર્કલ પાસે આવેલ તપોવન ફ્લેટમાં રહેતા અને આર એન્ડ બી વિભાગમાં નોકરી કરતા સતિષભાઈ ચુડાસમાના પિતા દિનેશભાઈ ગગજીભાઈ ચુડાસમા ( ઉં.વ.૬૮ ) ગઈકાલે સાંજે તેમનું બાઈક નં. જીજે ૦૪ જે ૭૪૩૭ લઈને તેમના મિત્રના પૌત્રના લગ્ન પ્રસંગે જમણવારમાં ઘોઘા રોડ પર આવેલ ગાયત્રી ફાર્મ હાઉસ ખાતે જઈ રહ્યા હતા.ત્યારે ઘોઘારોડ પર આવેલા રેસ્ટોરન્ટ નજીક કાર નંબર જીજે ૦૫ જેકે ૯૨૪૩ અને દિનેશભાઈના બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં દિનેશભાઈને ગંભીર ઇજા પહોચતા તેમનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક દિનેશભાઈના પુત્ર સતિષભાઈ ચુડાસમાએ કારના ચાલક વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.