કુતરાંને રોટલાં ખવડાવતા વૃદ્ધનું બાઈકની ટક્કરે મોત
- માતર તાલુકાના ત્રાજ ગામની ઘટના
- નિત્યક્રમ મુજબ વૃદ્ધ સાઈકલ લઈને નિકળ્યા હતા : બાઈક મૂકી ચાલક ફરાર
માતર તાલુકાના ત્રાજ ગામમાં રહેતા સૂર્યકાંત રમણભાઈ પટેલ (ઉં.વ. ૬૫) દરરોજ સવારે સાયકલ લઈ કુતરાઓને રોટલા ખવડાવવા જાય છે. તેઓ નિત્યક્રમ મુજબ આજે સવારે સાયકલ પર ત્રાજ માતર રોડ ઉપર કુતરાઓને રોટલા નાખવા નીકળ્યા હતા. તેઓ વે-બ્રિજ કાંસ નજીક ઊભા હતા ત્યારે પુરઝડપે આવેલા બાઈક ચાલકે રોડ ઉપર ઉભેલા સૂર્યકાંત પટેલને ટક્કર મારી બાઈક મૂકી નાસી ગયો હતો.
બાઈકની ટક્કર વાગતા સૂર્યકાંત પટેલને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી સેવાભાવી વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતની જાણ થતા મૃતકના ભાઈ હિતેશભાઈ તેમજ માતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે હિતેશભાઈ રમણભાઈ પટેલે માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.