રિવર્સમાં આવતી જીપના ચાલકે વૃદ્ધને કચડી નાંખતા મોત
વૃદ્ધની પાંસળીઓ તૂટી ગઇ : જીપ ચાલક સામે ગુનો દાખલ
વડોદરા,દશરથ ગામે કંપનીમાં ચાલતા જતા ૬૩ વર્ષના વૃદ્ધને રિવર્સમાં આવતી જીપના ચાલકે કચડી નાંખતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
સાવલી તાલુકાના ભાદરવા ગામે રહેતા નરસિંહભાઇ કાનજીભાઇ વણકર ( ઉં.વ.૬૩) દશરથ ગામ નજીક આવેલી બર્ઝર પેઇન્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે કામ કરતા હતા. આજે બપોરે પોણા બાર વાગ્યે તેઓ કંપનીના ગેટથી અંદર કંપનીમાં ચાલતા આવતા હતા. તે સમયે કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ચાલતી બોલેરો પીકઅપ વાનનો ડ્રાઇવર જીપ પૂરઝડપે રિવર્સમાં આવતો હતો. તેણે નરસિંહભાઇને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. ત્યારબાદ પણ જીપના ચાલકે બ્રેક નહીં મારતા જીપના પૈંડા નરસિંહભાઇ પર ફરી વળતા તેઓની પાંસળીઓ તૂટી ગઇ હતી. તેમજ હાથ અને પગ પર પણ ગંભીીર ઇજાઓ પહોંચી હતી. તેઓને સૌ પ્રથમ સારવાર માટે નજીકના ક્લિનિકમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. નરસિંહભાઇના પુત્રની ફરિયાદના આધારે છાણી પોલીસે ગુનો દાખલ કરી જીપ ચાલક કિરણ રમેશભાઇ નાયક (રહે. સોખડા ગામ, ન્યૂ અલકાપુરી સોસાયટી ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.