ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતર બાદ અઠવા, ઉધના સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત
- વર્ષે 32 હજાર દસ્તાવેજ નોંધાય છે : કતારગામની કચેરીમાં એક સાઇડનો ભાગ ખૂલ્લો કરાતા આવાગમનમાં રાહત
સુરત
સિનિયર સિટીઝનો, દિવ્યાંગોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સુરતની અઠવા અને ઉધના બન્ને સબ રજિસ્ટ્રાર કચેરી છઠ્ઠા અને સાતમા માળેથી સી બ્લોકમાં સ્થળાંતર કરવામાં આવ્યા બાદ આજથી ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરી દેવાઇ છે.
સુરત શહેરમાં દસ્તાવેજ નોંધણી માટે અલગ અલગ દસ કચેરીઓમાંથી અઠવા અને ઉધના સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભારે ભીડ રહે છે. દસ્તાવેજ નોધણી માટે આવતા પક્ષકારોમાં સિનિયર સિટીઝનો અને દિવ્યાંગો પણ આવે છે. આ બન્ને કચેરી છઠ્ઠા અને સાતમા માળે આવી છે. અને લિફટમાં ભીડ રહેતી હોવાથી ઘણી મુશ્કેલીઓ પડતી હોવાથી ગૃહ રાજ્ય અને મહેસુલ મંત્રી હર્ષ સંઘવીએ સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. આજે તેમના હસ્તે જ ગ્રાઉન્ડ ફ્લોર પર કચેરી કાર્યરત કરાઇ હતી. બન્ને કચેરીમાં દર વર્ષે ૩૨ હજારથી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે.
જ્યારે કતારગામ સબ રજિસ્ટ્રાર કચેરીનો એક બાજુનો ભાગ ખુલ્લો કરી દેવાતા હવે લિફટ દ્વારા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો પ્રથમ માળે પહોંચી શકશે એમ મદદનીશ નોંધણી સહનિરીક્ષક સંદીપ સવાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત આવનાર સમયમાં જે તે વિસ્તારમાં રહેતા લોકોની સુગમતા માટે જુદી જુદી જગ્યાએ આઠ કચેરીઓનું સ્થળાંતર કરવામાં આવશે.