હત્યામાં ન પરિણમે તેવા સાપરાધ મનુષ્યવધના ગુનામાં આરોપીને આઠ વર્ષની કેદ
આ જન્મમાં તારા લગ્ન થવાના નથી તું કાયમ જ વાંઢો રહેશે કહીને ફરિયાદી સાથે ઝઘડો કરનાર આરોપીને મારતા ફરિયાદી પર ચપ્પુથી હુમલો કર્યો હતો
સુરત
આ જન્મમાં તારા લગ્ન થવાના નથી તું કાયમ જ વાંઢો રહેશે કહીને ફરિયાદી સાથે ઝઘડો કરનાર આરોપીને મારતા ફરિયાદી પર ચપ્પુથી હુમલો કર્યો હતો
પાંચેક વર્ષ પહેલાં લાલ દરવાજા છોવાળા શેરીમાં રહેતા ફરિયાદી સાથે નજીવી બાબતે થયેલી તકરારમાં ચપ્પુ વડે ડાબા પગ પર હુમલો કરીને હત્યા નિપજાવનાર આરોપીને આજે એડીશ્નલ સેશન્સ જજ આર.કે.મોઢે હત્યામાં ન પરિણમે તેવા સાપરાધ મનુષ્ય વધના ગુનામાં દોષી ઠેરવી આઠ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
લાલદરવાજા કિલ્લા શેઠની વાડી ખાતે રહેતા તથા હીરાના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી રૃપેશભાઈ સુરેશભાઈ આંબલીયા ગઈ તા3-9-20ના રોજ ઘર પાસે મહોલ્લામાં રહેતા સાક્ષી નયન છોવાળા,ધીરુ કાતરીયા,રઘુનાથ લીંગે વગેરે સાથે બેઠા હતા.જે દરમિયાન મૂળ મહારાષ્ટ્ર ભૂસાવળના વતની 23 વર્ષીય આરોપી દિપક રવિન્દ્રભાઈ ઉર્ફે રવીભાઈસુર્યવંશી(રે.શિવ કોમ્પ્લેક્ષ,છોવાળાની શેરી)એ આવીને ફરિયાદીને તારા આ જન્મમાં લગ્ન નહીં થાય તું કાયમ જ વાંઢો રહેવાનો છે.એવું કહીને ઉશ્કેરણી કરી હતી.જેથી ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે તું અહીંથી ચાલ્યો જા નહીંતર મારવો પડશે.જેથી આરોપી દિપકે ફરિયાદીના ણોઢા પર ફેટ મારી ગાળો આપતાં ફરિયાદીએ આરોપીને ધક્કો મારતા નીચે પડી ગયા બાદ નાસી ગયો હતો.ત્યારબાદ દશેક મીનીટમાં આરોપી દિપકે પરત ફરીને ફરિયાદીને આજે હું તને જીવતો નહીં છોડું એવું કહીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને ફરિયાદીના ડાબા પગના ગોઠણની નીચે ઘા મારીને ઈજા કરી હતી.જેથી સારવાર દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં ફરિયાદી રૃપેશ આંબલીયાનું નિધન થયું હતુ.
જેથી મહીધરપુરા પોલીસે આરોપી દિપક રવિન્દ્રભાઈ સુર્યવંશીની ઈપીકો-302,307,323,504 તથા જીપી એક્ટ-135ના ગુનામાં ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતા સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતો બાદ કોર્ટે આરોપીને હત્યામાં ન પરિણમે તેવા સાપરાધ મનુષ્યવધના ગુનામાં દોષી ઠેરવી આઠ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.