ટ્રકની પાછળ આઈશર ઘૂસી ડ્રાઈવરનું મોત, એકને ઈજા
- વટામણ-તારાપુર હાઈવે પર હોટલમાં ઉભેલી
- સ્થાનિકોએ ભારે જહેમતે આઈશરમાંથી બે વ્યક્તિઓને કાઢ્યા : ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો
રાજકોટના ધોરાજીમાં રહેતા ઈમ્તિયાઝ હુસૈનભાઈ ખોખર ગત રવિવારે સાંજે ધોરાજીથી ડુંગળી ભરી સુરત જવા નીકળ્યા હતા. સોમવારે વહેલી સવારે તેમણે વટામણ-તારાપુર હાઈવે પર કસબારા બ્રિજ નજીક આવેલી એક હોટલમાં રોકાયા હતા. ત્યારે સાડા પાંચ વાગ્યે હાઈવે પર બ્રિજ ઉતરતા પુરઝડપે આવેલી આઈશર ડુંગળી ભરેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી.
અકસ્માતમાં આઈશરની કેબીન ટ્રકની પાછળ ભેગી થઈ ગઈ હતી. જેથી આસપાસમાંથી દોડી આવેલા લોકોએ કેબીનમાંથી આઈશર ચાલક ભાવેશભાઈ વલ્લભભાઈ વાજા (રહે. જાગા મેડી, નાના ચોરા વિસ્તાર, જામનગર) અને બાજૂમાં બેઠેલા અરજણભાઈ શિવાભાઈ પટેલ (રહે. કૃષ્ણનગર, મોટી નાગજાળ, કાલાવડ)ને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.
સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઈશર ચાલકને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અરજણભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઈમ્તિયાઝ ખોખરની ફરિયાદના આધારે તારાપુર પોલીસે આઈશર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.