ફેરપ્લે સટ્ટાબાજી એપનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો, મુંબઈ અને કચ્છમાં 8 સ્થળોએ EDના દરોડા
Fairplay App Scam : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આઈપીએલ સહીતના મેચોના ગેરકાયદે પ્રસારણમાં સામેલ ઓનલાઈન સટ્ટાબાજી એપ ફેરપ્લેની તપાસ કરી રહ્યું છે. જેમાં 25 ઑક્ટોબરના રોજ સમગ્ર મુંબઈ અને ગુજરાતનાં કચ્છમાં થઈને આઠ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તપાસ કર્તાઓએ સંપત્તિ જપ્ત કરી
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મિલકત, રોકડ, બેંક ભંડોળ સહીત રૂ.4 કરોડની સંપત્તિ જપ્ત કરીને તેને ફ્રીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત તપાસકર્તાઓએ અનેક ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને મિલકતના દસ્તાવેજો રિકવર કર્યા છે.
શું છે આખો મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાયકોમ 18 પાસે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનાં અધિકાર હતા, પરંતુ મેચોને ફેરપ્લે પર ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરવામાં આવી હતી. જેના કારણે વાયકોમને રૂ.100 કરોડથી વધુનું નુકસાન થવાથી ફેરપ્લે સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદમાં ફેરપ્લે પર ઈન્ડિયન પીનલ કોડ (IPC), ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને કોપીરાઈટ એક્ટ હેઠળ ઉલ્લંઘનનો આરોપ, તેમજ ડિજિટલ પાયરસીનો કેસ નોંધવામાં આવ્યો છે.
તપાસમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓનું નેટવર્ક પણ બહાર આવ્યું
આ કેસનો ક્રિશ લક્ષ્મીચંદ શાહને ફેરપ્લેનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. ઇડી તપાસમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓનું નેટવર્ક પણ બહાર આવ્યું છે. જે ફેરપ્લેની વૈશ્વિક કામગીરીને સમર્થન આપવા માટે સ્થાપિત કરવામાં આવી હતી. તેમજ દુબઈ ફેરપ્લેના ઓપરેશન હબ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભારતમાં એકમો દ્વારા ટેકનિકલ અને નાણાકીય લોજિસ્ટિક્સનું સંચાલન કરવામાં આવે છે.
શું ફેરપ્લેનું મહાદેવ એપ સાથે કોઈ કનેક્શન છે?
ફેરપ્લે એપ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા બનાવવામાં આવેલી મહાદેવ એપ સાથે જોડાયેલી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં મની લોન્ડરિંગ માટે મહાદેવ બુક એપની તપાસ કરી રહી છે. આ કેસમાં રણબીર કપૂર, હુમા કુરેશી, કપિલ શર્મા અને શ્રદ્ધા કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને ટાઈગર શ્રોફ સહિત ઘણી મોટી બોલીવુડ હસ્તીઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપી હતી.