Get The App

ગીરના સિંહોના રક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય, 196 ગામ ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાશે

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ગીરના સિંહોના રક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય, 196 ગામ ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાશે 1 - image
Image: X

Eco-sensitive zones for Asiatic Lions Protection : ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં જ વસવાટ કરતાં જોવા મળે છે. આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ટૅક્નોલૉજીની મદદથી સાત વિવિધ નવા પ્રકલ્પો હાથ ધરાયા છે. રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર ઓછામાં ઓછું 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. 

ગીરના સિંહોના રક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય, 196 ગામ ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાશે 2 - image

196 ગામોનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જોવા મળતાં એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવાયા છે. જે વિશે વધુ માહિતી આપતા વનમંત્રી મુળુભાઈએ જણાવ્યું કે, નવીન ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરિડોર અને સિંહોના અવર-જવરવાળા 4 મહત્ત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આમ ત્રણેય જિલ્લાના કુલ 196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટરનો ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકોમાં અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.

આ પણ વાંચોઃ સરકારી ઉ. માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષકોની ભરતી જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે અરજી

ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ 1,468.16 ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિયમ અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાનો હોય છે. રક્ષિત વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે 10 કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે 10 કિ.મી. સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. 

આ પણ વાંચોઃ નવરાત્રિને લઈને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન: ગરબા મહોત્સવમાં સ્ટોલ માટે લાઇસન્સ ફરજિયાત

કેન્દ્ર સરકારે બહાર પાડ્યું જાહેરનામું

સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા 10 વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારિત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્ત્વના કોરિડોર તથા રીવર કોરિડોર જેવા વિસ્તારને આવરીને ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News