MSUના સંશોધકોએ સ્વદેશી મટિરિયલ વાપરી ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવ્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસ્ટાઈલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ મહિલાઓ માટે સ્વદેશી ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવવામાં સફળતા મેળવી છે.ટેકસટાઈલ એન્જિનિયરિંગ વિભાગમાં આ જ વિષય પર પીએચડી કરનાર અર્પણ ખારવાએ પોતાના પીએચડી ગાઈડ પી સી પટેલ અને સત્યજીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સેનેટરી નેપકિન બનાવ્યો છે.સંશોધકો હવે ઈચ્છે ત્યારે માર્કેટમાં તેને લોન્ચ પણ કરી શકે છે.
તાજેતરના કોન્વોકેશનમાં પીએચડીની ડિગ્રી મેળવનાર અર્પણ ખારવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેની સાથે સાથે તેમણે પીએચડી પણ પૂર્ણ કર્યું છે.આ પહેલા ટેકનોલોજી ફેકલ્ટીમાંથી જ તેમણે એમઈનો અભ્યાસ કર્યો હતો.તેઓ કહે છે કે, અત્યારે મ ાર્કેટમાં મોટાભાગે જે સેનેટરી નેપકિન મળે છે તેમાં ત્રણ લેયર હોય છે.પહેલું લેયર ટોપ શીટ તરીકે ઓળખાય છે.જેમાં પોલીપ્રોપલિન નામનું પ્લાસ્ટિક મટિરિયલ અને પાછળની તરફ એટલે કે નીચેના લેયરમાં પોલીઈથેલિનનો ઉપયોગ થાય છે.આ બંને મટિરિયલ નોન બાયોડિગ્રેડેબલ છે.તેનો જમીનમા ૫૦૦ થી ં ૬૦૦ વર્ષે નિકાલ થઈ રહે છે.તેના વચ્ચેના લેયરમાં પાઈનવૂડ પલ્પ વપરાય છે.આ મટિરિયલ બાયોડિગ્રેડેબલ છે પણ ભારતમાં તેનું ઉત્પાદન થતું નથી.તેને અમેરિકાથી મંગાવવુ પડે છે.
તેઓ આગળ કહે છે કે, અમે જે નેપકિન બનાવ્યો છે તેમાં તમામ મટિરિયલ બાયોડિગ્રેડેબલ છે.ઉપરનુ મટિરિયલ ઓર્ગેનિક કોટન અને સિલ્કનું છે.ઓર્ગેનિક કોટન ભારતમાં ખેડૂતો વિપુલ પ્રમાણમાં ઉગાડે છે.જ્યારે પાછળનું લેયર પીબીએટી (પોલી બ્યુટીલેન એડિપેટ કોટેરફેથાલેટ)પીએલએ (પોલીલેકટાઈડ) નામના મટિરિયલનું છે.બે લેયરની વચ્ચે બામ્બૂ પલ્પ અને કોટન સ્ટાર્ચનો ઉપયોગ કર્યો છે. બામ્બૂ દક્ષિણ ભારતમાં ઉગે છે.નેપકિનમાં વપરાતું સિલ્ક પણ દક્ષિણ ભારતમાં બને છે.આમ આ નેપકિન બનાવવા માટેનું તમામ મટિરિયલ ભારતમાં જ ઉપલબ્ધ છે.
નોન બાયોડિગ્રેડેબલ નેપકિન અને ડાયપરમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ૭૦ ટકા
બજારમાં મળતા નોન બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન અને ડાયપરમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ૭૦ ટકા જેટલુ હોય છે એટલે પ્લાસ્ટિકના પ્રદૂષણમાં તેનો પણ નોંધપાત્ર ફાળો છે.બીજી તરફ દુનિયામાં દર વર્ષે પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડકટસના કારણે ૭૮ મિલિયન ટન કચરો ઉત્પન્ન થાય છે.જેમાંથી ૩૨ ટકા જેટલો પ્લાસ્ટિક વેસ્ટ દરિયામાં વહી જાય છે.આ આંકડો ૨૦૨૩૦ સુધીમાં બમણો અને ૨૦૫૦ સુધીમાં ત્રણ ગણો થવાની શક્યતાઓ છે.
ભારતમાં ૩૨ ટકા મહિલાઓ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરે છે
ભારતમાં એક દાયકા પહેલા સેનેટરી નેપકિન વાપરનાર મહિલાઓનુ પ્રમાણ ૧૧ ટકા જ હતું અને હવે ૩૨ ટકા મહિલાઓ તેનો ઉપયોગ કરે છે.એક મહિલા એક માસિક સાયકલ દરમિયાન સાત જેટલા નેપકિન વાપરે તો પણ એક વર્ષમાં તે ૭૦ જેટલા નેપકિનનો ઉપયોગ કરે છે.મોટાભાગે સેનેટરી નેપકિનને કચરામાં જ ફેંકી દેવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યામાં તેના કારણે ઉમેરો જ થાય છે.ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો કરી શકે છે તેમ અર્પણ ખારવાનું કહેવું છે.
ફેંકી દેવાયા બાદ ૧૫૦ જ દિવસમાં આપોઆપ ડિગ્રેડ થઈ જાય છે
અર્પણ ખારવા કહે છે કે, અત્યારે માર્કેટમાં જે બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન મળે છે તેનું પ્રોડક્શન ભારત બહાર થાય છે.એટલે તેની કિંમત પણ વધારે છે.ઈકો ફ્રેન્ડલી નેપકિન માટે કિંમતનું પરિબળ પણ મહત્વનું છે.અમે બનાવેલા ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિનની કિંમત ચાર થી સાત રુપિયા રાખી શકાય તેમ છે.જે બજાર મળતા નોન બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપિકન જેટલી જ છે.ઉપરાંત આ નેપકિન ફેંકી દેવામાં આવે તો પણ ૧૫૦ દિવસમાં તે આપોઆપ ડિગ્રેડ થઈ જાય છે.જેનાથી પ્રદૂષણની સમસ્યા સર્જાતી નથી. અમે આ પ્રોડકટની પેટન્ટ લેવા માટે પણ કાર્યવાહી શરુ કરી છે.