Get The App

રૂ.15 લાખના લાંચ કેસમાં ઈકો સેલના ASI સાગર પ્રધાન ACBમાં સરન્ડર થતા ધરપકડ

ભાઈને રૂ.5 લાખ લેતા કતારગામમાં ઝડપી લેવાયા બાદ ASI ફરાર થઈ ગયો હતો

આટલી મોટી રકમની લાંચમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ થશે

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
રૂ.15 લાખના લાંચ કેસમાં ઈકો સેલના ASI સાગર પ્રધાન ACBમાં સરન્ડર થતા ધરપકડ 1 - image


- ભાઈને રૂ.5 લાખ લેતા કતારગામમાં ઝડપી લેવાયા બાદ ASI ફરાર થઈ ગયો હતો

- આટલી મોટી રકમની લાંચમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ થશે

સુરત, : કરોડોની છેતરપિંડીમાં ઝડપાયેલા વેપારીના ભાગીદારને છોડવા અને તેમની ઓફિસનો સામાન, ડાયમંડ પરત કરવા માંગેલા રૂ.15 લાખના લાંચ કેસમાં ઈકો સેલના એએસઆઈએ એસીબીમાં સરેન્ડર કરતા એસીબીએ તેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.ઉલ્લેખનીય છે કે રૂ.15 લાખ પૈકીના રૂ.5 લાખ લેતા એએસઆઈના ભાઈને એસીબીએ 10 દિવસ પેહલા કતારગામ અલકાપુરી સર્કલ બ્રિજ વિસ્તારમાંથી ઝડપી લેતા એએસઆઈ ફરાર થઈ ગયો હતો.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઈકો સેલે બે અઠવાડીયા અગાઉ કરોડોની છેતરપિંડીમાં કતારગામના વેપારીની ધરપકડ કરી હતી ત્યારે તેના ભાગીદારને પણ લાવી હતી અને તેને છોડવા અને તેમની ઓફિસનો સામાન, ડાયમંડ પરત કરવા ઈકો સેલના એએસઆઈ સાગર સંજયભાઇ પ્રધાને રૂ.15 લાખની લાંચ માંગી હતી.રૂ.15 લાખમાંથી રૂ.5 લાખ આપવા ગત 23 એપ્રિલના રોજ એએસઆઈ સાગર પ્રધાને ભાગીદારને કહ્યું હતું.જોકે, ભાગીદારે આ અંગે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબી પીઆઈ બી.ડી.રાઠવા અને સ્ટાફે છટકું ગોઠવી કતારગામ અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફુટ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે એએસઆઈ સાગર પ્રધાનના કહેવાથી તેના ભાઈ ઉત્સવે ભાગીદાર પાસેથી લાંચની રકમ રૂ.5 લાખ સ્વીકારી તે સાથે જ એસીબી ત્રાટકી હતી અને તેને ઝડપી લીધો હતો.

રૂ.15 લાખના લાંચ કેસમાં ઈકો સેલના ASI સાગર પ્રધાન ACBમાં સરન્ડર થતા ધરપકડ 2 - image

જોકે, એસીબીના છટકાની જાણ થતા એએસઆઈ સાગર પ્રધાન ફરાર થઈ ગયો હતો.એસીબીએ આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાન, છેલ્લા 10 દિવસથી ફરાર એએસઆઈ સાગર પ્રધાને ગતસાંજે એસીબીમાં સરેન્ડર કરતા એસીબીએ તેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.હવે એસીબી એએસઆઈ સાગર પ્રધાનની પુછપરછના આધારે આટલી મોટી રકમની લાંચમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ કરશે.


Google NewsGoogle News