વલસાડમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા
Earthquake in Valsad : ગુજરાતના કચ્છ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આજે વહેલી સવારે વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 39 કિમી દૂર ઉમરગામ તાલુકાના સરહદે આવેલા મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાના તલાસરી કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસા આજે વહેલી સવારે 4:35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી હતી. જેનું એ.પી. સેન્ટર વલસાડથી 39 કિમી દૂર નોંધાયું હતું. વહેલી સવારે પાલઘર જિલ્લાના તલાસરીમાં વારાફરતી ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા હતા. ઊંચી બિલ્ડીંગોમાં રહેતા લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો.
ભૂકંપના આંચકાનો અહેસાસ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે.
અઠવાડિયામાં ત્રીજીવાર ધ્રુજી કચ્છની ધરા
ગુજરાતના કચ્છમાં આ એક અઠવાડિયામાં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે (4 જાન્યુઆરી) સાંજે 4:37 વાગ્યે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. કચ્છના દૂધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું છે. એક જ અઠવાડિયામાં ત્રીજીવાર ભૂકંપનો ઝટકો આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. આ પહેલાં શુક્રવારે (3 જાન્યુઆરી અને બુધવારે (1 જાન્યુઆરી) પણ ભૂકંપનો ઝટકો નોંધાયો હતો.
પહેલી અને ત્રીજી જાન્યુઆરીએ પણ ધ્રુજી ધરા
આ પહેલાં ગત રોજ (3 જાન્યુઆરી) સાંજે 4:16 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેમાં રાપરથી લગભગ 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. પહેલી જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારમાં 3.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતાં રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું.