કચ્છમાં ફરી ભૂકંપ, ચારની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડ્યા, ઉત્તર ગુજરાતમાં પણ ધરતી ધ્રૂજી
Earthquake in Kutch : કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ છે.
કચ્છમાં ચાર તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરની માહિતી પ્રમાણે, સાંજે 8:18 વાગ્યે કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપના આંચકા અનુભવાયા. મળતી માહિતી પ્રમાણે, કચ્છના રાપર સહિતના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ભચાઉ, ભુજ, અંજાર, ગાંધીધામ, કંડલા, મુન્દ્રા, માંડવી, મોરબી, હળવદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે, ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી.
ત્રણ દિવસ પહેલા પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
થોડા દિવસ પહેલા 15 નવેમ્બર 2024 લગભગ રાત્રે 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દૂર ઉત્તરમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા.