અગાઉ સિંહો માટે કરોડોનું આંધણ કરાયું પણ ધારી સફળતા ન મળી
ટેકનોલોજીને બદલે સિંહોને સલામતી મળે તે વધુ જરૂરી રેડિયોકોલરીંગ, ડ્રોન કેમેરાઓ, CCTV, રેલ્વે ટ્રેકની આસપાસ ફેન્સિંગ, સિંબા સોફ્ટવેર અપેક્ષા મુજબના કારગત નિવડયા નહીં
જૂનાગઢ,: ગીરના ઘરેણા સમાન સિંહો માટે અગાઉ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ સિંહોને પ્રથમ એવું રહેઠાંણ જરૂરી છે, જ્યારે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા રહેઠાંણને બદલે સિંહો માટે અનેક પ્રકારની ટેકનોલોજી વિકાસવવામાં આવી પણ ટૂંકાં પડતા જંગલના કારણે સિંહો માનવ વસાહતની આસપાસમાં વસવાટ કરવા લાગ્યા છે. સિંહો માટે રેડિયોકોલરીંગ, બિનજરૂરી એનિમલ કેર સેન્ટરો, ડ્રોન કેમેરાઓ, સીસીટીવી, રેલ્વે ટ્રેકની આસપાસ ફેન્સિંગ, જંગલની અંદર સિમેન્ટ-કોંક્રેટના સ્ટ્રક્ચરો, સિંબા સોફ્ટવેર સહિતના અનેક પ્રોજેક્ટ જોઈએ તેવા કારગત નિવડયા નહી. પ્રોજેક્ટ લાયન હેઠળની ગ્રાન્ટમાંથી ટેકનોલોજીને બદલે સિંહોને વધુ ફાયદો થાય તેવું સિંહપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે.
પ્રોજેક્ટ લાયન હેઠળ વર્ષ 2047 સુધીમાં રૂા. 2927 કરોડ સિંહોના સંરક્ષણ સંવર્ધન માટે વાપરવામાં આવશે અને તેનાથી ખુબ મોટા ફાયદા થવાના છે તેવો દાવો થઈ રહ્યો છે. વન વિભાગના એક નિવૃત ઉચ્ચ અધિકારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે, અગાઉ કરોડો રૂપીયાના ખર્ચ કરી અનેક ટેકનોલોજી વિકસાવાઈ હતી. જેમાં ૭પથી વધુ સિંહોને રેડીયોકોલર ફીટ કરવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સિંહોને રેડીયોકોલર થઈ શકે જ નહી. રેડીયોકોલરના કારણે અનેક સિંહોના મોત પણ થયા હતા. તેનો દેશની સંસદ સહિતના સ્થળેથી વિરોધ ઉઠતા મોટાભાગના સિંહોને રેડીયોકોલર કાઢવા પડયા હતા. તેવી જ રીતે ઠેકઠેકાણે આડેધડ એનિમલ કેર હોસ્પિટલો બનાવી નાખવામાં આવી હતી, જ્યાં તબીબો નથી, અમુક દવાનો જથ્થો નથી, અમુક હોસ્પિટલો ધુળ ખાઈ રહી છે. આ ઉપરાંત સિંહ એ જંગલનું પ્રાણી છે તેની તંદુરસ્તી સારી હોય છે, અમુક પ્રાણી બિમાર અથવા નબળુ હોય તો કુદરતના નિયમ પ્રમાણે તેનો ઉછેર થતો હોય છે. આટલી હોસ્પિટલો ઓછી હોય તેમ સાસણ નજીકના અભયારણ્યની 10 વિઘા જેટલી જમીનમાં કરોડોના ખર્ચે હોસ્પિટલ બની રહી છે.
લાખો રૂપીયાના ખર્ચે ડ્રોન કેમેરાઓ લીધા હતા ત્યારે મોટા-મોટા દાવા કર્યા હતા કે, ડ્રોન કેમેરાથી જંગલ પર નજર રખાશે અને ગુનેગારોને પકડવામાં આવશે પરંતુ આજ સુધી એકપણ ગુનેગાર ડ્રોન કેમેરાથી પકડાયો નથી અને ડ્રોન કેમેરા ધુળ ખાઈ રહ્યા છે. રાજુલા પંથકમાં કરોડો રૂપીયાના ખર્ચે રેલ્વે ટ્રેક પર ફેન્સિંગ કરવામાં આવી તે ફેન્સિંગ તુટી ગઈ અને ઉલ્ટાનું તેમાં સિંહ કે વન્યપ્રાણી ફસાઈને ટ્રેનમાં આવી જાય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. હવે ટ્રેનની સ્પિડ ઘટાડતા ટ્રેન અકસ્માતના બનાવ ઘટયા છે. વધારે પડતી ગ્રાન્ટના કારણે આડેધડ જંગલમાં સ્ટ્રક્ચર ઉભા થઈ રહ્યા છે તથા જંગલના રસ્તાઓને અવાર-નવાર ખોટી રીતે રિપેરીંગના બહાને મસમોટા ખર્ચ થઈ રહ્યા છે. હેબીટેટ ઈમ્પ્રુમેન્ટ માટે જંગલના કુવાડીયા અને લેન્ટેના નામની બિનજરૂરી વનસ્પિતનો નાશ કર્યાનો દર વર્ષે કરોડો રૂપીયાનો ખોટો ખર્ચ ઉધારવામાં આવે છે. આ ઉપરાંત સિમ્બા પ્રોજેક્ટ હેઠળ મસમોટો ખર્ચ કરી એકને એક સિંહની બીજીવાર ગણના ન થાય તે માટે સોફ્ટવેર વસાવવામાં આવ્યો હતો તેનો પણ કોઈ ફાયદો દર્શાવાયો નથી. આમ, કરોડો રૂપીયાના ધુમાડા કર્યા બાદ પણ સિંહોને જોઈએ તેવો કોઈ ફાયદો થયો હોય તેવું સિંહના નિષ્ણાંતો કે વન વિભાગના અમુક અધિકારીઓ માનતા નથી. મોટાભાગની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપ ઉઠી રહ્યા છે. સિંહ કરતા વન વિભાગના જવાબદારોને ફાયદો થયો છે.