ડેસર મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્રનો ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
કોમ્પ્યુટર ઓપરેટરે રૃા.૬ હજાર લાંચ લઇ પેન્ટના જમણા ખિસ્સામાં મૂકતાં જ એસીબીએ ઝડપી પાડયો
વડોદરા, તા.13 વેચાણ દસ્તાવેજ તેમજ મૈયત કાચી નોંધની પાકી નોંધ કરવા માટે ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૃા.૬ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે ડેસર તાલુકામાં રહેતી વ્યક્તિએ પોતાની મિલકત વેચાણ થઇ હતી જેથી તે અંગે વેચાણ દસ્તાવેજ અને મૈયતની નોંધ પાડવા માટે ડેસર મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ અરજી બાદ તેની કાચી નોંધ પડી ગઇ હતી પરંતુ પાકી નોંધ બાકી હતી જેથી તેઓ ડેસર મામલતદાર કચેરીમાં ગયા હતા અને ઇ-ધરા ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટરને મળી પાકી નોંધની વાત કરી હતી.
કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર (રહે.પરથમપુરા, તા.સાવલી)એ બંને નોંધોની પાકી નોંધ કરવા માટે રૃા.૬ હજારની લાંચ માંગી હતી. દરમિયાન લાંચની આ રકમ આપવી નહી હોવાથી તેમણે નર્મદા ભવનના સાતમા માળે આવેલી એસીબી ઓફિસનો સંપર્ક કર્યો હતો. દરમિયાન મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.પી. કરેણે સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આજે બપોરે પાકી નોંધ માટે ડેસર મામલતદાર કચેરીમાં જઇ કોમ્પ્યુટર ઓપરેટરને મળી અરજદારે વાત કરી હતી બાદમાં લાંચની રકમ લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટરે ઇ-ધરા જન સેવા કચેરીની સામે પૂર નિયંત્રણની કચેરીમાં બોલાવી લાંચની રકમ લીધા બાદ કોમ્પ્યુટર ઓપરેટરે પેન્ટના જમણા ખિસ્સામાં મૂકતાં જ એસીબીના અધિકારીઓએ કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ પરમારને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડયો હતો. એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.