ટૂંક સમયમાં શહેરના આઠ રૂટ પર ઈ-બસ દોડતી જોવા મળશે
- પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત 100 ઈ-બસ ફાળવવામાં આવશે
- ટોપ-૩થી ડી માર્ટવાળા રસ્તા પર બસ ડેપોનું નિર્માણ કાર્ય ગતિમાં, શહેરીજનોને ઈકો ફ્રેન્ડલી પરીવહનનો લાભ મળશે, અન્ય આઠ રૂટથી નજીકના ગામો આવરી લેવાશે
ભાવનગરને પીઅ.મે. ઈ-બસ સેવા અંતર્ગત ૧૦૦ ઈ-બસની ફાળવણી કરવામાં આવનાર છે. ત્યારે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા ફ્લોટીંગ પોપ્યુલેશનવાળા વિસ્તારો અને દૈનિક ધોરણે પરીવહન કરતા નાગરિકોનો અભ્યાસ કરી સમગ્ર શહેરને આવરી શકાય અને ટૂંકા સમયગાળામાં નાગરિકોને બસની સેવા ઉપલબ્ધ થઈ રહે તે માટે સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સી.ઈ.પી.ટી.) યુનિવર્સિટી દ્વારા ઈ-બસ સેવા માટેના કામચલાઉ/અંદાજીત રૂટ્સ ડિઝાલન (પ્લાન) કરી આજે તા.૨૮-૧ના રોજ મેયર, ડે.મેયર, ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી, નેતા, શાસક પક્ષ, કમિશનર, નાયબ કમિશનર, પદાધિકારીઓ, નગરસેવકોની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં રજૂ થયેલા મંતવ્યોને ધ્યાનમાં રાખી ૧૬ કામચલાઉ/અંદાજીત રૂટ ડિઝાઈન (પ્લાન)નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાંથી શહેરના હદ વિસ્તાર માટે આઠ રૂટ અને શહેરની આસપાસના નજીકના ગામો/આઉટગ્રોથ વિસ્તારને આવરી લઈ શહેરની કનેક્ટીવિટી વધારવામાટે ડિઝાઈન કરવામાં આવ્યાનું મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ)એ જણાવ્યું છે.