સાડા ચાર લાખ વિશાળ જૂના અને નવા પુસ્તકોનો ભંડાર ધરાવતી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં હવે ચાર હજાર પુસ્તકો ઇ-બુક્સ દ્વારા વાંચી શકાશે

મધ્ય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ડિજિટલના માર્ગે ઃ કીંડલ બુકના વાંચન માટે એક લાખ પુસ્તકોના સમાવેશ સાથે ૧૦ કીંડલ પણ મૂકાયા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
સાડા ચાર લાખ વિશાળ જૂના અને નવા પુસ્તકોનો ભંડાર ધરાવતી  સેન્ટ્રલ લાઇબ્રેરીમાં હવે ચાર હજાર પુસ્તકો ઇ-બુક્સ દ્વારા વાંચી શકાશે 1 - image

વડોદરા, તા.22 મધ્ય ગુજરાતમાં સૌથી મોટી વડોદરાના મધ્યમાં માંડવી પાસે આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરી હવે નવા જમાના સાથે કદમ ભરી રહી છે. આ લાઇબ્રેરીમાં જૂની તેમજ નવી બુકોનો ભંડાર છે પરંતુ  હવે લાઇબ્રેરીના વાચકો કોમ્પ્યૂટરમાં પણ વાંચી શકે તે માટે ઇ-બુક્સની સુવિદ્યા શરૃ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂની છે. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિના કારણે વિદેશથી ખાસ બોલાવાયેલા તજજ્ઞાોની સલાહ અને તેમની દેખરેખ હેઠળ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી હતી. આ લાઇબ્રેરીમાં વર્ષો જૂના પુસ્તકો છે જેના અભ્યાસ માટે લોકો દૂર દૂરથી આવતાં હોય છે. આર્કિટેક્ટની દ્રષ્ટિએ પણ અદભૂત કહી શકાય તેવી આ લાઇબ્રેરીમાં  છ ભાષામાં ૪૫૦૦૦૦ પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે.

સેન્ટ્રલ લાઇબ્રેરીમાં હાલ ૪૦ હજાર જેટલાં સભ્યો છે જે પુસ્તકો નિયમિત લઇ જાય છે અને પછી પરત આપી જાય છે. અગાઉ દરેક પુસ્તકોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું હતું કારણ કે કેટલાંક પુસ્તકોના પેજ ફાટી જતા હતાં. હવે લાઇબ્રેરી પણ ધીમે ધીમે ડિજિટાઇઝેશન તરફ વળતી જાય છે. સેન્ટ્રલ લાઇબ્રેરીમાં તા.૧૬મીથી ઇ-બુક્સ સુવિદ્યા શરૃ કરવામાં આવી છે. આ માટે ત્રણ કોમ્પ્યૂટર મૂકવામાં આવ્યા છે. આ ઇ-બુક્સમાં ૪ હજારથી પણ વધુ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાંચક સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પહોંચી ઇ-બુક્સ વિભાગમાં જઇને સીધો કોમ્પ્યૂટર પર બૂક વાંચી શકશે.

રાજ્ય ગ્રંથપાલ ડો.પી.કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઇ-બુકસ ઉપરાંત કીંડલ બુક જેના વાંચન માટે ૧૦ કીંડલ મૂકવામાં આવ્યા છે જેમાં એક લાખ જેટલાં પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વાંચકોની પુસ્તક વાંચનની જરૃરિયાત ધ્યાનમાં રાખીને જિલ્લા તેમજ તાલુકા ગ્રંથાલયોની જરૃરિયાત મુજબ શિષ્ટ સાહિત્ય વસાવવામાં આવશે. સેન્ટ્રલ લાઇબ્રેરીમાં આવતા બાળકો તેમજ મહિલા વાચકો માટે નવિનીકરણ કરી અદ્યતન બાળ સાહિત્ય વિકસાવાયું છે.




Google NewsGoogle News