Get The App

ઓખા-બેટ દ્વારકાને જોડતાં સુદર્શન બ્રિજમાં ગાબડાં, PM મોદીના હસ્તે થયું હતું ઉદઘાટન, જોઇન્ટ છૂટા પડ્યાં

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Sudarshan Setu


Sudarshan Setu: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ એવા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં રૂ. 950 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુમાં અનેક સ્થળે ગાબડાં પડી ગયા હોવાની વિગતો સાથેના ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા હતાં.

રૂ. 950 કરોડનાં ખર્ચે બનેલા બ્રિજના બાંધકામમાં પોલંપોલ

દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદને લીધે અનેક રસ્તા ધોવાયા છે. ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી પુરવઠા બોર્ડના કામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પરિવહન સેવાઓને પણ વ્યાપક અસર થઈ છે. તેવા સંજોગોમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડાં પડયા હતાં. બ્રિજના જોઈન્ટ છુટા પડી ગયા હતા તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજની રેલિંગને પણ કાટ લાગી ગયો હોવાથી બાંધકામમાં પોલંપોલ ચાલતી રહી હોવાનું ખુલ્લું પડી ગયું હતું.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઇ, 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા

બ્રિજના નિર્માણનું કામ એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન કંપનીને સોંપાયું હતું 

સુદર્શન બ્રિજના નિર્માણનું કામ એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યું હતું. આ કંપની મોટા મોટા પુલો બનાવવા માટે જાણીતી છે. અલબત અહી સુદર્શન બ્રિજનું કામ ચાલુ હતું. આ દરમિયાન જ બિહારમાં ગંગા નદી ઉપર આ કંપની દ્વારા બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટના પછી સુદર્શન સેતુનો પ્રોજેકટ આ કંપની પાસેથી પરત લઈ લેવાની અટકળો પણ શરૂ થઈ હતી.

પાંચ મહિના પહેલા જ વડાપ્રધાને પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સમાન સુદર્શન સેતુમાં ભારે વરસાદને લીધે અનેક સ્થળે ગાબડાં પડ્યા હોવાની વિગતો આજે બહાર આવ્યા પછી સરકારીતંત્ર દોડતું થઈ ગયું હતું. પરંતુ ઓખાથી સુદર્શન બ્રિજ ઉપર જવા માટે ચારે બાજુ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા હોવાથી બ્રિજ ઉપર જવું મુશ્કેલ બની ગયું હતું. તેથી દ્વારકા સાઈડથી બ્રિજ ઉપર જઈને ગાબડાં પૂરવા માટે કામે તંત્ર લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ પ્રસર્યો, જામનગરમાં વધુ બે બાળકોના મોત

બ્રિજના નબળા બાંધકામનાં ફોટા વાયરલ થતાં સરકારી તંત્રમાં દોડધામ

અલબત્ત ચોમાસાની શરૂઆતમાં જ સુદર્શન બ્રિજની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તેથી ભ્રષ્ટાચારની વિગતો ચર્ચાસ્પદ બને તે પહેલાં તાત્કાલિક પ્રોટેકશન વોલનું કામ કરી નાખવામાં આવ્યું હતું. પરંતુ મેઘરાજાએ સુદર્શન બ્રિજનાં બાંધકામની પોલંપોલને આજે ઉઘાડી પાડી દેતા સુદર્શન સેતુનાં નબળા બાંધકામનો મુદ્દો સમગ્ર દ્વારકા પંથકમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો.

ઓખા-બેટ દ્વારકાને જોડતાં સુદર્શન બ્રિજમાં ગાબડાં, PM મોદીના હસ્તે થયું હતું ઉદઘાટન, જોઇન્ટ છૂટા પડ્યાં 2 - image



Google NewsGoogle News