દ્વારકાની ઓખા જેટી પર ક્રેન તૂટતાં 3ના મોત, જેટી બનાવવાની કામગીરી સમયે સર્જાઈ દુર્ઘટના
Dwarka Okha Jetty Crane Accident: દ્વારકાના ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેન તૂટી જવાથી ત્યાં કામ કરતાં એક એન્જિનિયર, એક સુપરવાઈઝર અને એક મજૂરનું મોત થયું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108, ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ઓખા જેટી પર કામ ચાલુ હતું, તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાંથી બે વ્યક્તિ ક્રેન નીચે દટાઈ ગયા હતા અને એક વ્યક્તિ દરિયામાં પડી ગયો હતો. ક્રેન નીચે દબાયેલા બંને વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, તેમજ અન્ય એક વ્યક્તિને દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બહાર કાઢી હૉસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.
મૃતકની થઈ ઓળખ
મૃતકની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યા છે.
કલેક્ટરે આપી માહિતી
દ્વારકાના કલેક્ટર જી.ટી. પંડ્યાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ત્રણ લોકોના મોત થયા હતા અને તે કોસ્ટ ગાર્ડ જેટી પરનું કામ હતું જે ગુજરાત મેરીટાઇમ બોર્ડની દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું. ક્રેન તૂટવાને કારણે એક એન્જિનિયર, એક સુપરવાઈઝર અને એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
તંત્રએ હાથ ધરી તપાસ
આ સિવાય તંત્ર દ્વારા અન્ય કોઈ વ્યક્તિ દટાયા છે કે કોઈ ઈજાગ્રસ્ત થયું છે કેમ કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેના કારણો શું હતા તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.