દ્વારકામાં સોસાયટીના પાણીના ટાંકામાંથી મળ્યો સગીરનો મૃતદેહ, ત્રણ દિવસથી હતો ગુમ
Gujarat Crime: ગુજરાતના દ્વારકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ત્રણ દિવસથી ગુમ એક સગીરનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો છે. મૃતદેહને જોતા પરિવાર સહિત આસપાસના લોકોમાં ચકચારી મચી ગઈ હતી. હાલ, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, દ્વારકાના ખંભાળિયામાં કેતન વાઘેલા નામના સગીરનો મૃતદેહ રામનાથ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો છે. કેતન વાઘેલા ત્રણ દિવસ પહેલાં ગુમ થયો હતો. ત્યારે માતા-પિતા દ્વારા લાપતાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ બુધવારે (19 માર્ચ) મોડી રાત્રે પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ મોરબીમાં હિટ એન્ડ રન: ટ્રકની અડફેટે રાહદારીનું મોત, અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે કેતનના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, એક સગીરની હત્યા કરવા પાછળનું કારણ શું હોય શકે?