દ્વારકામાં ભડભડ સળગી ગયું મકાન, 7 મહિનાની બાળકી સહિત એક જ પરિવારના 4 જીવતા ભૂંજાયા
Gujarat News: ગુજરાતના દ્વારકામાં આજે રહેણાક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં ચાર લોકો જીવતા ભૂંજાયા છે. મૃતકોમાં સાત મહિનાની બાળકી, પતિ-પત્ની અને દાદીનો સમાવેશ થાય છે. આગની ઘટના અંદાજે સવારે 3 થી 4 વચ્ચે બની હોવાની માહિતી મળી છે. એક રહેણાક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેના કારણે ધુમાડો ઘરમાં ફેલાઈ જતા ગુંગળામણને કારણે ઘરમાં રહેતા લોકોના શ્વાસ રૂંધાયા હતા અને ચાર લોકો જીવતા હોમાયા છે.
આગથી મકાન ભડભડ સળગી ઉઠ્યું
દ્વારકામાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના બની છે જેમાં સાત માસની બાળકી સહિત એક જ પરિવારના ચાર સભ્યો જીવતા ભડથું થયા છે. શહેરના આદિત્ય રોડ પર રહેણાક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં જ આગથી મકાન ભડભડ સળગી ગયું હતું. પરિવારના સભ્યો કઈ સમજે તે પહેલા જ આગ આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી અને ગુંગળામણને કારણે ચાર સભ્યોના મોત નીપજ્યા છે.
મૃતક પરિવાર ગૂગળી બ્રહ્મ સમાજનો હોવાની માહિતી
મૃતક પરિવાર ગૂગળી બ્રહ્મ સમાજનો હોવાની માહિતી મળી હતી. ચાર સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો. મૃતકોની ઓળખ પવન કમલેશ ઉપાધ્યાય (30 વર્ષ), પવન ઉપાધ્યાય (27 વર્ષ), 7 મહિનાની બાળકી અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાય તરીકે થઈ છે.