વડોદરામાં નવરાત્રિ દરમિયાન રૃ. 236 કરોડથી વધુના વાહનો વેચાયા
રામલીલાના મંચન દરમિયાન સ્ટેજ ઉપર જીવંત પાત્રોને જોઇને ડીજિટલ યુગના બાળકો ખુશ થઇ ગયા, રાવણ દહન બાદ આતશબાજી કરાઇ
વડોદરા : શહેરમાં પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવેલા લોકોએ નવરાત્રિની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી અને આજે દશેરાની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ લાખો રૃપિયાના ફાફડા-જલેબીની જયાફત ઉડાવી હતી તો કરોડો રૃપિયાના વાહનોની પણ ખરીદી કરી હતી. પરંપરા મુજબ ક્ષત્રિયોએ શસ્ત્ર પૂજા કરી હતી. પોલીસ વિભાગે પણ શસ્ત્રાગારમાં શસ્ત્રોની પૂજા કરી હતી
દશેરાએ શસ્ત્ર પૂજા થઇ : લાખો રૃપિયાના ફાફડા જલેબી ખવાયા
દશેરાના વિજયનુ પ્રતિક માનવામાં આવે છે એટલે આ દિવસની ઉજવણી અનેક રીતે કરવામાં આવે છે. મા શક્તિના આજે આશીર્વાદ મળતા હોવાથી લોકો નવુ વાહન ખરીદવા માટે દશેરાનું મુહૂર્ત જ નક્કી કરે છે. વડોદરાના ઓટો ડિલરો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાહન ખરીદીમાં ફરક નથી.તેનું કારણ પૂર પણ એક છે. લોકો આર્થિક મુશ્કેલીમાં હોવાથી વાહન ખરીદીમાં વધારો નોંધાયો નથી. તેમ છતાં નવરાત્રિ દરમિયાન આશરે ૪ હજાર ટુ વ્હિલર અને ૨૨૦૦ થી ૨૫૦૦ ફોર વ્હિલની ખરીદી થઇ હતી જેની ડિલિવરી લોકોએ આજે દશેરાના મુહૂર્તમાં લીધી હતી. કિંમતમાં ગણવા જઇએ તો આશરે ૨૦૦ કરોડની ફોર વ્હિલ અને ૩૬ કરોડના ટૂ વ્હિલર વેચાયા છે.
આજે વડોદરામાં ૪૪ વર્ષની પરંપરા મુજબ પોલો ગ્રાઉન્ડ ખાતે સંક્ષિપ્ત રામલીલાનું મંચન થયુ હતું. સ્ટેજ ઉપર રામજી, સીતાજી અને લક્ષ્મણજી અને હનુમાનજીના પાત્રોને જીવંત જોઇને આજના ડીઝિટલ યુગના બાળકો ખુશ થઇ ગયા હતા. રામલીલા જોવા માટે આખુ ગ્રાઉન્ડ પેક થઇ ગયુ હતું. રામલીલાના અંતે રાવણ વધના દ્રશ્ય બાદ ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું દહન કરાયુ હત અને આતશબાજી કરવામાં આવી હતી.