Get The App

દશેરાએ કંદોઈઓની હાલત કફોડી, ફાફડામાં કિલોએ રૂ. 40નો વધારો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
દશેરાએ કંદોઈઓની હાલત કફોડી, ફાફડામાં કિલોએ રૂ. 40નો વધારો 1 - image


કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 420નો વધારો  ચણાના લોટમાં 6 માસમાં 40 ટકાનો અને તેલમાં એક માસમાં 30  ટકા વધારો, ઘરાકી ઘટવાના ભયે અન્ય ફરસાણના ભાવ રૂ. 280 ઉપર સ્થિર 

રાજકોટ, : કેન્દ્ર સરકારે આયાતી તેલોની કસ્ટમ ડયુટીમાં વધારો કરતા સાઈડતેલોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે અને હવે સ્થિતિ એવી થઈ છે કે જે સાઈડતેલો અને સિંગતેલ વચ્ચે રૂ. 800થી 1000નો ફરક હતો તે હવે રૂ. 400નો ફરક થઈ ગયો છે. આ સ્થિતિમાં કપાસિયા તેલમાં જ ફરસાણ બનાવતા કંદોઈની હાલત તેલ ઉપરાંત બેશન,હિંગ વગેરેના ભાવ વધારાથી કફોડી થઈ છે. વેપારી સૂત્રો અનુસાર તાજેતરમાં કપાસિયા તેલના ડબ્બે રૂ. 420 અને કિલોએ સરેરાશ રૂ. 30નો વધારો થતા લાઈવ ફાફડા ગાંઠિયના ભાવ રૂ. 400થી વધારીને રૂ. 440 કરાયા છે. જો કે સિંગતેલના ભાવ આંશિક ઘટયા હોય તેમાં તળાતા ફાફડાંના ભાવ યથાવત્ રહ્યા છે. 

વેપારી સૂત્રોએ જણાવ્યું કે તેલ સહિત અન્ય ચીજોના ભાવ વધારાથી પરંપરાગત અને તાજુ ફરસાણ બનાવીને વેચતા કંદોઈની હાલત કફોડી થઈ છે. છ માસ પહેલા રૂ. 65નો કિલો ચણાનો લોટના હવે રૂ. 110ચૂકવવા પડે છે. ફરસાણ બનાવવા રસની હીંગ વપરાય છે જે રૂ. 240થી વધીને રૂ. 300 એટલે કે કિલોના રૂ. 3000 એ ભાવ પહોંચ્યા છે. ઉપરાંત મરચાં,મેથી જેવી અન્ય સામગ્રીના ભાવ પણ વધઘટ થતા રહે છે. ફાફડા વણતા કારીગરોના ભાવ પણ વધ્યા છે. પરંતુ, આમ છતાં પાપડી,સેવ, ભાવનગરી ગાંઠિયા વગેરેનો ભાવ રૂ. 280 એ કિલો જળવાયો છે, કારણ કે વધારે ભાવથી ઘરાકી ઘટવાનો ડર છે.  વળી, જાળામાં હાથેથી મહેનત કરીને બનતા ફરસાણનો સ્વાદ અનેરો હોય છે પરંતુ, તેમાં તેલનો ઉપયોગ વધારે થાય છે. હવે મશીનથી આવું ફરસાણ બનાવાઈ રહ્યું છે. વળી, ફરસાણ લાંબો સમય ટકે તે માટે સિંગતેલને બદલે કપાસિયા તેલનો ઉપયોગ કંદોઈઓ વધારે કરે છે. 



Google NewsGoogle News