Get The App

રાજકોટમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ, કાલે રાક્ષસોનું દહન અને શસ્ત્ર પૂજન

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ, કાલે રાક્ષસોનું દહન અને શસ્ત્ર પૂજન 1 - image


માઈ મંદિરોએ ભીડઃ ચોટીલા ડુંગરે 2 લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટયા આજે સવારે અષ્ટમી, બાદ નવમી સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ થશે પણ અનેક આયોજકો શનિવારે રાસ-ગરબા ચાલુ રખાશે

 રાજકોટ, : રાજકોટના રેસકોર્સમાં બાલભવન ખાતે બંગાળી પરિવારો દ્વારા પરંપરાગત દુર્ગા માતાના મહોત્સવનો  શ્રધ્ધાપૂર્વક પ્રારંભ થયો હતો જેમાં વિસર્જન રવિવાર તા. 13ના થશે.તો શનિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ધામધૂમથી વિજ્યાદશમીનું પર્વ મનાવાશે જેમાં ઘરે ઘરે પૂજન સાથે આસુરી તાકાત પર દૈવી શક્તિના વિજયનું પર્વ મનાવાશે અને રાજકોટમાં રેસકોર્સ ખાતે સાંજે 60 ફૂટ અને 30 ફૂટ ઉંચા બે રાક્ષસોના પુતળાઓનું ધામધૂમથી દહન કરાશે અને ગામેગામ ક્ષત્રિય સહિતના સમાજો દ્વારા શસ્ત્ર પૂજન કરાશે. 

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં આજે હવનાષ્ટમી નિમિત્તે હવન યોજવામાં આવ્યો હતો, આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને રાત્રિ સુધીમાં આશરે 2થી 3 લાખ ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શન માટે મોબાઈલ દૂર રાખવા સહિતના નિયંત્રણો નહીં હોવાથી વિક્રમી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય સ્થળે માતાજીના મંદિરોમાં પણ વહેલી સવારથી ભીડ હતી જે આવતીકાલે પણ હવનાષ્ટમી ઉજવનાર હોઈ આવતીકાલે પણ ભીડ રહેશે. 

ગત તા. 3ને ગુરૂવારથી શરૂ થયેલી નવરાત્રિ પૂરા નવ દિવસ, નવરાત્રિ બાદ આવતીકાલ તા. 11ને શુક્રવારે પૂર્ણાહુતિ થશે. આવતીકાલે હવનાષ્ટમી સાથે નવમા અને અંતિમ નોરતાની પણ ઉજવણી થશે. જો કે અનેક આયોજકોએ શનિવાર દશેરાના દિવસે પણ દાંડિયારાસ અને પ્રાચીન ગરબીના આયોજનો જારી રાખવા નિર્ણય લીધો છે. 

દુર્ગામહોત્સવ રાજકોટમાં વસતા બંગાળી પરિવારો દ્વારા દર વર્ષે ઉજવાય છે જેમાં આ વખતે મા દુર્ગાની પ્રતિમા અનોખા રૂપથી તૈયાર કરાયેલ છે. તા. 11અને 12 ઓક્ટોબર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. તા. 13ને રવિવારે સાંજે 4 વાગ્યે અબીલગુલાલની છોળો, મહિલાઓ દ્વારા સિંદુર ચડાવીને સાંજે 4 વાગ્યે આજી નદીમાં મૂર્તિનું વિસર્જન થશે.  આ વખતે રેસકોર્સ મેદાનમાં સાંજે 7 વાગ્યે યોજાનાર કાર્યક્રમને રાવણ દહનને બદલે રાક્ષસ દહન નામ રાખ્યું છે.  વિહિપે જણાવ્યા મૂજબ 60 ફૂટના રાક્ષસનું એક અને 30- 30 ફૂટના રાક્ષસોના બે પુતળા આગ્રાથી બોલાવેલા ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયા છે. ચાર ભાગમાં બનેલા આ પુતળાઓ રેસકોર્સ ટ્રકમાં લાવીાને ભેગા કરવામાં આવશે.  શનિવારે વિજ્યાદશમી નિમિત્તે ક્ષત્રિય સહિતના સમાજો દ્વારા, પોલીસ તંત્ર દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા છે તો રવિવાર સુધી અનેક સ્થળોએ રાસગરબાના કાર્યક્રમો પણ યોજાયા છે.


Google NewsGoogle News