તારાપુરના ઈસરવાડામાં મકાનની દિવાલ તોડી ડમ્પર ફળિયામાં ઘૂસ્યું
- ફળિયામાં રમતાં ભૂલકાઓનો આબાદ બચાવ
- રોયલ્ટી વિભાગે પીછો કરતા ડ્રાઇવરે ડમ્પર મહોલ્લામાં ઘૂસાડયું, ચાલકને પોલીસને હવાલે કરાયો
ઈસરવાડા ગામે સ્વામિનારાયણ મંદિર ફળિયામાં અચાનક પુરઝડપે આવેલું ડમ્પર ઘુસી ગયું હતું. રોયલ્ટી વિભાગની કારે પીછો કરતા ચાલકે બેફામ ડમ્પર હંકારતા ડમ્પરે રસ્તા પર મકાનની દિવાલ તોડી પાડી મહોલ્લામાં પ્રવેશ્યું હતું. દરમિયાન નાના ભૂલકાંઓ મહોલ્લામાં રમી રહ્યાં હતાં ત્યારે ડમ્પર ઘૂસી આવ્યું હતું.
સદનસીબે બાળકો સહિતનાનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો દ્વારા ચાલકને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. જોકે, તારાપુર પોલીસ દ્વારા સમાધાનના પ્રયાસ કરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ ઉઠયાં છે. નોંધનીય છે કે, રેતી સહિતની ખનીજો ઓવરલોડ ભરીને ગેરકાયદે વહન કરતા ડમ્પરોના કારણે હાઈવે ઉપર અકસ્માત સર્જાવાનો ભય રહેતો હોય છે. અનેકવખત ઓવરલોડ ડમ્પરોના કારણે અકસ્માત સર્જાયા હોવાના બનાવો નોંધાયા છે. તેવામાં રોયલ્ટી વિભાગે પીછો કરતા ડમ્પર ગામના મહોલ્લામાં ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે પોલીસની રહેમ નજર હેઠળ ગેરકાયદે દોડતા ઓવરલોડ ડમ્પરચાલકો અને ડમ્પરમાલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.