ડુમસ બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડઃ સિટી સર્વે સુપ્રિ. 31 મી સુધી રજા પર ઉતરી ગયા
- કૌભાંડ બહાર આવ્યા બાદ બે તબક્કામાં 29 દિવસની રજા મુકી છતા અનંત પટેલ સામે ગાંધીનગર સેટલમેન્ટ કચેરી કે સરકાર તરફથી કાર્યવાહી નહી
- સિટી સર્વે કચેરીના અનંત પટેલ તેમજ સરકારે ફરજિયાત નિવૃત્ત કરેલા કાના ગામીતે હાઇકોર્ટમાંથી ક્વોશિંગ પીટીશન પરત ખેંચી છે
સુરત
સુરતના ડુમસ અને વાટાની અંદાજિત પાંચ હજાર કરોડની જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાડમાં જેના લોગ ઇન આઇડીથી પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. તે તત્કાલીન સીટી સર્વે સુપરિટેન્ડન્ટ અનંત પટેલ વધુ ૩૧ મી જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા છે. બે તબક્કામાં ૨૮ દિવસની રજા અને સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યાના ૧૯ દિવસ બાદ પણ ગાંધીનગર સેટલમેન્ટ કચેરી કે સરકાર તરફથી અધિકારી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અનંત પટેલ અને સરકારે તાજેતરમાં ફરજિયાત નિવૃત્ત કરેલા કાના પોસ્લા ગામીતને સીઆઇડી ક્રાઇમે નોંધેલી ફરિયાદમાં આરોપી દર્શાવ્યા છે.
સુરતના ડુમસના બ્લોક નં.૮૧૫, ૮૦૧/૨, ૮૦૩, ૮૨૩, ૭૮૭/૨ અને વાટા ગામના બ્લોક નં.૬૧ મળી અંદાજે ૨ લાખથી વધુ ચોરસમીટર જમીનમાં આવેલા ૩૫૧ પ્લોટના બોગસ પ્રોપ્રટી કાર્ડ બનાવી દેવાયા હતા. સને-૨૦૧૯માં સરકારે પ્રોપર્ટી કાર્ડ આપવા માટે શરૃ કરેલી ઝુંબેશ દરમિયાન આ કૌભાંડ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે જમીનો બિનખેતીનો (એન.એ) હુકમ હોવાનો જરુરી છે. જોકે, આ બ્લોક નંબરની જમીનો બિનખેતી થઇ નહોતી. જોકે, જિલ્લા પંચાયત, સુડા અને જિલ્લા કલેકટર કચેરીમાં જમીન એન.એ કરાવવા માટે ફાઇલો મુકવામાં આવી છે. આ ફાઇલમાં પૂર્તતા માટે લેટર અપાયો હતો. આ જ લેટરને બિનખેતીનો હુકમ ગણીને આ ૩૫૧ બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવાયા હતા.
આ તમામ પ્રોપર્ટી કાર્ડ જે તે વખતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલના લોગ ઇન આઇ.ડીથી જનરેટ થયા હતા. જેથી સીઆઇ ક્રાઇમે અનંત પટેલ તેમજ તત્કાલિન ઉપરી અધિકારી કાન પોસ્લાભાઇ ગામીત વિરુધ્ધ ફરિયાદ નોંધી હતી. દરમિયાન બોગસ પ્રોપર્ટી કાર્ડ અંગે આઝાદ સી. રામોલીયાની ફરિયાદ અંતર્ગત સીઆઇડી ક્રાઇમ, અમદાવાદે તા.૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ અનંત પટેલ, કાના પોસ્લાભાઇ ગામીત અને સમૃધ્ધિ કોર્પોરેશનના ભાગીદારો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તે વેળા અનંત પટેલ લેન્ડ રેકર્ડ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. અને તા.૧૩ જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા હતા. ત્યારબાદ તેમની સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન કરી હતી. પણ હાઇકોર્ટનું વલણ જોતા પરત ખેંચી લીધી હતી. જેથી હવે સીઆઇડી ક્રાઇમ ધરપકડ કરે તેમ જણાતા તા.૩૧ જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા છે.
આમ અનંત પટેલે બે તબક્કામાં ૨૮ દિવસની રજા મુકી છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યાના ૧૯ દિવસ બાદ પણ ગાંધીનગર સેટલમેન્ટ કચેરી તરફથી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી અનંત પટેલ પર સરકારી તંત્રના ચાર હાથ હોવાની ચર્ચા છે. જ્યારે સમગ્ર કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરાયા બાદ સરકાર તરફથી પણ કોઇ પગલા લેવાયા નથી તેથી કશુંક રંધાયું હોવાની ચર્ચાએ સરકારી કચેરીમાં જોર પકડયું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં આરોપી એવા કાના પોસ્લાભાઇ ગામીતને સરકારે તાજેતરમાં ગંગાજળ યોજના હેઠળ ફરજિયાત નિવૃત્ત કર્યા હતા. કાના ગામીતે પણ પોતાની સામેની ફરિયાદ રદ કરવા ગત સપ્તાહમાં હાઇકોર્ટમાં કરેલી ક્વોશિંગ પીટીશન પરત ખેંચી છે.
કૌભાંડનું મૂળ લોગઇન આઇ.ડી : અનંત પટેલ અને કાના ગામીત સીઆઇડીના હાથમાં આવ્યા બાદ ખુલાસો થશે
સિટી
સર્વે કચેરી આવેલી છે તે સુરતના નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડીંગ કેમ્પસમાં ચાલતી ચર્ચા
મુજબ ૨૦૧૯માં પ્રોપર્ટી આપવા માટે ઝુંબેશ વેળા જ બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યાનું જણાયું
હતું. તે વેળા અનંત પટેલે આ બોગસ પ્રોપર્ટી કાર્ડ રદ કરવા ગાંધીનગર સેટલમેન્ટ કમિશ્નર
કચેરીમાં રજૂઆત કરી હતી. તેમણે પોતાના લોગ ઇન આઇડીથી આ બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યાનું
રજૂઆતમાં જણાવ્યું હતું. અનંત પટેલના લોગઇન આઇ.ડી થી તેમના ઉપરી અધિકારી અને સીઆઇડી
ક્રાઇમે આરોપી બનાવ્યા છે તે કાના પોસ્લા ગામીતે પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાની વાત
છે. જોકે, બંને અધિકારીને આરોપી બનાવાયા છે ત્યારે સીઆઇડી ક્રાઇમ બંનેની પુછપરછ કરે ત્યારે
વિગતો વધુ સ્પષ્ટ થશે. જોકે, હાલમાં આ બંને આરોપી સીઆઇડી ક્રાઇમની
પકડથી દુર છે.
અનંત પટેલની ચૂંટણી પહેલા બદલી અને ચૂંટણી પુર્ણ થયા બાદ ફરી લેન્ડ રેકોર્ડ કચેરીમાં જ નિમણૂંક
લોકસભાની
ચૂંટણી વેળા ટાણે ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેવા અધિકારીઓની બદલી થઇ ત્યારે
અનંત પટેલ લેન્ડ રેકર્ડ અધિકારી તરીકે જ ફરજ બજાવતા હતા. જોકે તેમની એક સ્થળે
ફરજના ત્રણ વર્ષ થવા આવ્યા હોવાથી તેમની બદલી થઇ ગઇ હતી. જોકે, ચૂંટણી સંપન્ન થયાના
થોડા મહિનામાં જ ફરી સુરત લેન્ડ રેકર્ડ
કચેરીમાં નિમણૂંક થઇ ગઇ હતી. એક સરકારી કચેરીમાંથી બદલી બાદ તે જ કચેરીમાં
ટુંકા સમયમાં ફરી નિમણૂંક ઘણા ઓછા કિસ્સામાં બને છે.