ઓવર ડ્રાફટની લાલચે વેપારીના રૂ. 2.91 કરોડ પડાવવાના પ્રકરણમાં વકીલની ધરપકડ
- સી.એ પ્રતીક મેઘાણીએ એક્સીસ બેંકમાંથી ઓવર ડ્રાફટ અપાવવાની લાલચ આપી હતીઃ વેપારીની પેઢીના કોરા લેટરહેડ પર સહી કરાવી સી.એ દ્વારા બારોબાર ખેલ કરાયો હતો
સુરત
રીંગરોડના કાપડ વેપારીના બેંક એકાઉન્ટમાં ઓવર ડ્રાફટની લિમીટ વધારી આપવાની લાલચ આપી કોરા કાગળ ઉપર સહી કરાવ્યા બાદ તેનો દુરપયોગ કરી બારોબાર પોતાના અને પત્નીના એકાઉન્ટમાં રૂ. 2.91 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કરવામાં મદદરૂપ થનાર સી.એ ના સાથીદાર વકીલની ઉમરા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
રીંગરોડની સ્થિત અંબાજી માર્કેટમાં પંકજ ક્રિએશન નામે કાપડનો ધંધો કરતા પંકજ મહાવીરપ્રસાદ જૈન (ઉ.વ. 42 રહે. રતન અંશ એપાર્ટમેન્ટ, ધીરજ સન્સની બાજુમાં, વેસુ) ને ધંધામાં પૈસાની જરૂર હોવાથી મિત્ર હસ્તક સી.એ પ્રતીકકુમાર લાલજી મેઘાણીનો સંર્પક કર્યો હતો. પ્રતીકના કોટક બેંકના એકાઉન્ટમાં રૂ. 1.50 કરોડની કેશ ક્રેડિટ હોવાના ડોક્યુમેન્ટ્સ જોયા બાદ ઘોડદોડ રોડની એક્સીસ બેંકમાં પોતાની ઓળખાણ હોવાનું કહી ઓવર ડ્રાફટ લોન અપાવવાની લાલચ આપી હતી. ઓવર ડ્રાફટ માટે પંકજે મિત્ર ઉમેદ ઘુઘરાવાલાની નવસારી જિલ્લાની જમીન અને ઓલપાડ તાલુકાના સરોલી ગામના સત્કર્મ એપાર્ટમેન્ટના ફલેટના ડોક્યુમેન્ટ્સ મોર્ગેજ માટે આપ્યા હતા.
ઉપરાંત પ્રતીકે પંકજ ક્રિએશનના પાંચ કોરા લેટરહેડ પર સહી કરાવી લીધી હતી. પ્રતીકે પંકજની સહી વાળા પંકજ ક્રિએશનના કોરા લેટરહેડને એક્સીસ બેંકમાં રજૂ કરી રૂ. 2.91 કરોડની ઓવર ડ્રાફટ લોન મંજૂર કરાવી આ રકમ પ્રતીકે બારોબાર લક્ષ્મીનારાયણ રેયોન, અને પત્ની ખુશાલીની માલિકીની થર્ડ આઇ ટેક્સટાઇલ સહિતના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. બેંકમાંથી વ્યાજ ભરપાઇનો કોલ આવતા પંકજને પ્રતીકના કારસ્તાનની જાણ થતા ફરીયાદ નોંધાવી હતી. જે તે વખતે પોલીસે પ્રતીકની ધરપકડ કરી હતી જયારે આજ રોજ વ્યવસાયે વકીલ મનોજ કાળુબાઇ નવાપરીયા (ઉ.વ. 37 રહે. અંબાજી બંગ્લોઝ, યોગી ચોક, પુણા અને મૂળ. વલારડી, તા. બાબરા, જી. અમરેલી) ની ધરપકડ કરી છે.