સુરત પાલિકા અને પોલીસની બેદરકારીથી થાય છે રસ્તા પર ટ્રાફિક જામ
પાલનપોર શાકમાર્કેટ નો એક તરફનો રોડ બ્લોક વાહનચાલકોને ભારે હાલાકી
પાલિકા આ રોડ પર કાયમી ધોરણે દબાણ હટાવતી નથી, તો બીજી તરફ પોલીસની બેદકારીથી આડેધડ વાહનોનું પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે
સ્કુલ છુટ્યાના સમયે સ્કુલ વાન ચાલકો અને વાલીઓ રોંગ સાઈટ આવતાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે પણ પાલિકા અને પોલીસ તમાશો જોઈ રહી છે
સુરત, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની બેદરકારી ના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાંદેર ઝોનમાં પાલનપોર શાક માર્કેટમાં પાલિકા અને પોલીસની ગંભીર બેદરકારીથી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. પાલનપોર શાક માર્કેટ રોડ પરથી પાલિકા કાયમી ધોરણે દબાણ હટાવી શકતા નથી તો બીજી તરફ આ રોડ પર આડેધડ પાર્ક થયેલા વાહનો સામે પોલીસ કોઈ કામગીરી કરતી ન હોવાથી ટ્રાફિકની સમસ્યા બેવડાઈ રહી છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલા પાલનપોર પાટીયા શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની ગઈ છે. પાલિકા સમયાંતરે શાક માર્કેટ બહારના દબાણ દુર કરવાની કામગીરી કરે છે પરંતુ આ કામગીરી કડકાઈથી થતી ન હોય આ દબાણ માત્ર કેટલાક કલાકો જ હટે છે. આ શાક માર્કેટનો એક તરફનો આખો રસ્તો શાકભાજીવાળાના દબાણના કારણે જામ થઈ જાય છે. તો સામેની બાજુના રોડ પર આડેધડ લોકો વાહન પાર્કિંગ કરે છે. શાકભાજી માર્કેટ તરફનો રોડ બંધ હોવાથી એક જ રોડ પરથી વાહનોની અવર જવર થાય છે તેથી અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા થાય છે.
બપોરના સમયે કેટલાક શાકભાજીવાળાઓ સામેના રોડ પર પણ બેસીને દબાણ કરે છે તેથી વાહન ચાલકો માટે આ રોડ પર વાહનો ચલાવવા મુશ્કેલ બને છે. આ સમસ્યા ઓછી હોય તેમ આ વિસ્તારમા આવેલી સ્કુલ છુટવાનો સમય હોય ત્યારે સ્કુલ વાન ચાલકો અને વાલીઓ રોંગ સાઈટ વાહનો દોડાવતા હોવાથી ટ્રાફિક જામ થઈ જાય છે. પાલિકા અને પોલીસ તમાશો જોતી હોવાથી વાહન ચાલકોની હાલત કફોડી થાય છે. પાલિકા દબાણ હટાવી શકતી નથી તો બીજી તરફ પોલીસ વાહનોના પાર્કિંગ અને રોંગ સાઈટ વાહનો દોડે છે તેની સામે કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે.