સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોને હવે મધ્યાન ભોજન હાજરી પણ ભરવા માટે ફરમાન
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ક્લાર્કના અનેક કામો કરી રહ્યાં છે, શિક્ષકો મોટા ભાગે ઓનલાઈન હોવાથી ઓનલાઈન શિક્ષણ માટે સમય પુરતો મળતો નથી
Image Source: Freepik
સુરત, તા. 03 માર્ચ 2024, રવિવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પાસે ક્લાર્ક નું કામ પણ કરાવવામા આવે છે અને મોટા ભાગે ઓનલાઈન કામગીરીનું ભારણ આપવામા આવી રહ્યું છે. જેના કારણે શિક્ષકો બિન શૈક્ષણિક કામગીરી માટે ઓન લાઈન તો રહે છે પરંતુ ઓનલાઈન શિક્ષણ માટે ઓછો સમય આપી શકતા હોવાથી અનેક સમસ્યા થઈ રહી છે. સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામો કરવામાં આવતી હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે તેના કારણે શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવા માગણી થઈ રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો અભ્યાસ નબળો હોવાની ફરિયાદ થઈ રહી છે તેની પાછળ અનેક કારણો છે. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શિક્ષકો પાસે જુદી જુદી કામગીરી કરાવવામા આવી રહી છે તે મોટું કારણ હોવાનું કહેવાઈ રહ્યું છે. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ છે પરંતુ શિક્ષકોને અનેક કામગીરી સાથે જોડવામા આવી રહ્યાં છે તેમાં હાલમાં શાળામાં જે બાળકો મધ્યાહન ભોજન લે છે તેવા વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટેની જવાબદારી શિક્ષકોને માથે નાખવામાં આવે છે.
હાલ શિક્ષણ સમિતિમાં એક પરિપત્ર આવ્યો છે તેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી સાથે વિદ્યાર્થીઓની મધ્યાહન ભોજનની દૈનિક હાજરી ભરવામાં આવે તે અંગે શાળા કક્ષાએ જાણ કરી ફોલોઅપ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેના કારણે પહેલા શિક્ષકોએ પ્રાર્થના બાદ વર્ગખંડમાં ઓનલાઇન વિદ્યાર્થીઓની હાજરી પુરવાની ત્યાર બાદ ઓનલાઇન હાજરી પુરવાની અને ત્યાર બાદ થોડો અભ્યાસ કરાવ્યા બાદ ફરીથી મધ્યાહન ભોજન માટે ઓનલાઈન હાજરી પુરવા ની રહેશે.
સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વિદ્યા સમીક્ષા માટે અનેક સર્વે અને ડેટા એન્ટ્રી કરવાની હોય છે તથા વાંચન સમક્ષા માટે પણ ઓનલાઇન કામગીરી કરવાની છે.શિકોએ આ કામગીરી સાથે પરીક્ષા એન્ટ્રી, વિષય પ્રમાણે ગુણ, પરિણામ, શાળાના વિદ્યાર્થીઓના કાર્ડ. ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, શિષ્યવૃત્તિ, વિદ્યાર્થી પ્રોફાઈલ શૈક્ષણિક પરીક્ષા માટેના ફોર્મ જેવા કામ કરવાના હોય છે. ેતની સાથે રમતોત્સવ, ખેલમહાકુંભ, સાંસકૃતિક કાર્યક્રમો, સહિતની અનેક કામગીરી કરવાની હોય છે.
સરકાર દ્વારા આ કામગીરી ફરજિયાત કરવામાં આવી હોય શિક્ષકો આ કામગીરી પુરી કરે છે અને તેની વચ્ચે સમય કાઢી વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. તેમાં પણ અનેક સ્કૂલમાં શિક્ષકોની ઘટ વચ્ચે એક શિક્ષક એક કરતાં વધુ વર્ગખંડમાં હોય છે આવા અનેક કારણોને કારણે વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ પર અસર પડી રહી છે. વિપક્ષ દ્વારા અનેક વાર શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીથી દૂર રાખીને માત્ર શિક્ષણ આપવામાં આવે તેવી માગણી કરી છે પરંતુ તેનો અમલ થતો ન હોવાથી શિક્ષકો ઓનલાઈન વધુ રહે છે અને ઓફલાઈન શિક્ષણ માટે મુશ્કેલી પડતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.