શું આવી રીતે થશે વિકાસ? ગુજરાત સરકારની લાપરવાહીથી 26 સાંસદ 222 કરોડ વાપરી શક્યા નહીં
Lok Sabha Elections 2024: 'પાડાના વાંકે પખાલીને ડામ' એવી ગુજરાતી કહેવત રાજ્ય સરકાર અને ગુજરાતના 26 સાંસદોને લાગુ પડે છે, કારણ કે રાજ્ય સરકારની લાપરવાહીના કારણે ગુજરાતના સાંસદો તેમને મળતા ફંડનો સમયસર ઉપયોગ કરી શક્યા નથી, જ્યારે માર્ચ 2023 પછી સાંસદોને ફંડના ઇન્સ્ટોલમેન્ટ મળ્યા નથી.
તમામ સંસદ સભ્યોને ફંડ આપવામાં આવે છે
ભારત સરકારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ડિવિઝન દ્વારા દેશના તમામ સંસદ સભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLAD) હેઠળ દર વર્ષે પાંચ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે છે. દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી આ ફંડ ચર્ચામાં આવેલું છે. લોકસભાની વર્તમાન ટર્મ માટે ગુજરાતના 26 સાંસદોને કેન્દ્ર સરકારે આ ફંડ પેટે વ્યક્તિગત રીતે 17 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું પરંતુ તે પૈકી માત્ર 7થી 9 કરોડ રૂપિયા જ સાંસદો તેમના વિસ્તારમાં વાપરી શક્યા છે. વિવિધ કારણોસર ફંડની પુરેપુરી રકમ વાપરી શકાઇ નથી. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના સૌથી વધુ પાંચ અને બાકીના સાંસદોના ત્રણથી ચાર ઇન્સ્ટોલમેન્ટ પડતર છે.
ગુજરાતના 18 સંસદ સભ્યોના 2022થી ફંડના ઇન્સ્ટોલમેન્ટ બાકી
ભારત સરકારની MPLAD વેબસાઇટ ઉપર 5મી એપ્રિલ 2024માં આપવામાં આવેલા અપડેટ આંકડા પ્રમાણે ગુજરાતના 18 સંસદ સભ્યોના 2022થી ફંડના ઇન્સ્ટોલમેન્ટ બાકી છે. આઠ સંસદ સભ્યો એવાં છે કે જેમના ઇન્સ્ટોલમેન્ટ 2023-24થી પડતર છે. ફંડ રિલીઝ નહીં કરવાના કારણોમાં મુખ્ય કારણ એવું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ અને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સમયસર રજૂ કરવામાં આવ્યા નથી. રાજ્ય સરકારે યોગ્ય રિપોર્ટ નહીં કરવાના કારણે સંસદ સભ્યોએ તેમના મતવિસ્તારમાં વિકાસના કામો કરવાની તક ગુમાવી છે. મહત્વનું છે કે 26 પૈકી 22 સંસદસભ્યોએ તેમના મતવિસ્તારમાં વિવિધ કામોની ભલામણો પણ કરી દીધી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 31મી માર્ચ 2023 પછી કુલ 222 કરોડનું ફંડ રિલીઝ થયું નથી. કેન્દ્રએ આ ટર્મમાં 220 કરોડ રૂપિયાનું જ ફંડ રિલીઝ કર્યું છે.
સાંસદોનું 10 કરોડ જેટલું ફંડ રિલીઝ થવાનું બાકી
સૌથી વધુ 12 કરોડનું ફંડ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું રિલીઝ થવાનું બાકી છે, જ્યારે જે સાંસદોનું 10 કરોડ જેટલું ફંડ રિલીઝ થવાનું બાકી છે તેમાં ભાવનગરના ભારતી શિયાલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, વલસાડના ડો. કેસી પટેલ, સુરેન્દ્રનગરના મહેન્દ્ર મુજપરા, બારડોલીના પ્રભુ વસાવા, જૂનાગઢના રાજેશ ચુડાસમા, પંચમહાલના રતનસિંહ રાઠોડ અને મહેસાણાના શારદાબેન પટેલનો સમાવેશ થાય છે. બાકીના સાંસદોનું વ્યક્તિગત રીતે 7.5 કરોડનું ફંડ બાકી છે.