ગૃહકંકાસને કારણે પત્નીએ પતિની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી
પડધરીના થોરીયાળી ગામની ચોંકાવનારી ઘટના : શુક્રવારે બપોરે તળાવમાં લાશ તરતી જોઇ ગભરાઇ ગયેલી પત્નીએ વાડી માલિકને હકીકતો જણાવતાં ભાંડો ફૂટયો
રાજકોટ, : મૂળ મધ્યપ્રદેશનાં અલીરાજપુરના વતની અને બે વર્ષથી પડધરીના થોરીયાળી ગામે વાડી વાવતાં જુરલા ઉર્ફે દીલો કેનતાભાઈ પચાયા (ઉ.વ. 35)ની પત્ની આશાબેને દાંતરડાના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરી નાખ્યા બાદ લાશ નજીકના તળાવમાં ફેંકી દીધી હતી. ગઇકાલે બપોરે જુરલાની લાશ તળાવમાંથી મળી આવ્યા બાદ આ હત્યાકાંડનો ભાંડો ફૂટયો હતો. જેના આધારે પડધરી પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી આરોપી આશાબેનની અટકાયત કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો ભોગ બનનાર જુરલાને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. જેમાં સૌથી નાની પુત્રીની ઉંમર છ માસ છે. તે આ તમામ સંતાનો અને પત્ની સાથે થોરીયાળી ગામે બાબુભાઈ રવજીભાઈ પટેલની વાડીએ રહેતો હતો. વાડીમાં જ તે મજૂરી કામ કરતો હતો. ચારેક દિવસ પહેલા અચાનક તે લાપતા બની ગયો હતો. તેનો મોટાભાઈ બહાદુર પણ છેલ્લા ઘણા સમયથી પડધરીના થોરીયાળી ગામે રાજેશભાઈ ટપુભાઈ મેંદપરાની વાડીમાં રહે છે. ચારેક દિવસ પહેલા તેને માસીના પુત્ર રમેશે કોલ કરી તેનો ભાઈ જુરલો ગાયબ હોવાની વાત કરી હતી. જેથી તેણે પોતાના વતન અને આજુબાજુના વિસ્તારોમાં સગા-સંબધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ ક્યાંયથી પત્તો મળ્યો ન હતો. આખરે તેણે જુરલાની પત્ની આશાને પણ કોલ કર્યો હતો. પરંતુ તેણે અજાણ હોવાનું કહ્યું હતું.
આખરે ગઇકાલે બપોરે લાપત્તા જુરલાની લાશ થોરીયાળી ગામની સીમમાં આવેલા તળાવમાંથી મળી આવી હતી. લાશને ત્રણ-ચાર દિવસ થઇ ગયા હોવાથી કોહવાઇ ગઇ હતી. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતાં. લાશ સાથે ત્રણ મોટા પથ્થર પણ બાંધેલા હતાં.
ખરેખર એવું બન્યું કે ગઇકાલે આશા તળાવમાં તપાસ કરવા ગઇ હતી ત્યારે પતિની લાશ તરતી દેખાતા ગભરાઇ ગઇ હતી. જેને કારણે તેણે વાડી માલિક બાબુભાઈને પોતે પતિની હત્યા કર્યાનું કહ્યું હતું. જેથી બાબુભાઈએ પડધરી પોલીસને જાણ કરતાં પીએસઆઈ જી.જે. ઝાલા અને રાઇટર યુવરાજસિંહ ગોહીલ વગેરે સ્થળ પર દોડી ગયા હતાં.
પોલીસે તપાસ આગળ ધપાવતાં જાણવા મળ્યું કે આશાને છેલ્લા ઘણા સમયથી પતિ જુરલા સાથે માથાકૂટ ચાલતી હતી. બંને વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા. ચારેક દિવસ પહેલા પણ બંને વચ્ચે ઝગડો થતાં જ જુરલાએ પત્ની આશાને ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધા હતા. જેને કારણે આશા રોષે ભરાતા તે દાંતરડું લઇ પતિ જુરલા પાછળ દોડી હતી અને તેના ગળાના ભાગે દાંતરડાના ચારેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ત્યારબાદ તેણે કોઇને લાશ ન મળે તે માટે નજીકમાંથી ત્રણ મોટા પથ્થર લઇ તેને દોરી વડે લાશ સાથે બાંધી દીધા હતાં. આ પછી લાશને ઢસડીને નજીકમાં આવેલા તળાવમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં બધા સગા-સંબંધીઓને પતિ ગુમ ખોટી સ્ટોરી જણાવી હતી. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો. પડધરી પોલીસે હત્યાનો ભોગ બનનાર જુરલાના ભાઈ બહાદુરની ફરિયાદ પરથી આશા સામે ખૂન અને પૂરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી છે.
વાડી માલિક પાસે આ રીતે આશાએ પતિની હત્યા કબૂલી હતી
રાજકોટ, : વાડી માલિક બાબુભાઈએ પોલીસને જણાવ્યું કે ગઇકાલે તે વાડીએ ગયા હતા ત્યારે આશાને પૂછ્યું હતું કે તારો પતિ જુરલો કેમ ત્રણેક દિવસથી વાડીએ દેખાતો નથી. જેથી આશાએ તેને કહ્યું કે તે ગુમ થઇ ગયો છે. ત્યારબાદ અચાનક રડવા લાગી હતી અને કહ્યું કે ત્રણેક દિવસ પહેલા રાત્રે નવેક વાગ્યાના અરસામાં તેના બધા સંતાનો સૂઇ ગયા હતા ત્યારે પતિ જુરલા સાથે ઘરકામ બાબતે માથાકૂટ થતાં તે દાંતરડું લઇ તેની પાછળ દોડી ગઇ હતી. વાડીના શેઢા પાસે જ આંતરી ગળાના ભાગે દાંતરડાના ઘા ઝીંકી દીધા હતાં. જેથી તેના પતિને લોહી નીકળવા લાગતા બેભાન થઇ ઢળી પડયો હતો. તે સાથે જ તેણે પતિની લાશ ઢસડીને તળાવ સુધી પહોંચાડી હતી. આ પછી ઓરડીએથી દોરી લાવી તળાવની બાજુમાંથી ત્રણ પથ્થરો લઇ તેને દોરી વડે લાશ સાથે બાંધી લાશને તળાવમાં ફેંકી દીધી હતી.