રાજકોટમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ બેટમાં ફેરવાયા, સાતમ-આઠમના મેળાની મજા બગડી
Rajkot heavy Rain : આજે રાજકોટમાં બારેમેઘ ખાગાં જેવી પરિસ્થિતિ થઈ છે. બપોર પછી વરસાદે રાજકોટને જાણે બાનમાં લીધુ હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર કરી દીધા હતા. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
માહિતી પ્રમાણે રાજકોટના રામાપીર ચોકડી પર મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. તેમજ 150 ફૂટ રીંગ રોડ પર પણ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
હાલમાં રાજકોટમાં લોકમેળાઓ શરુ થયા છે, પરંતુ લોકમેળાને પણ વરસાદી પાણીનું વિધ્ન નડ્યું હતું. રાજકોટમાં ભારે વરસાદના કારણે મેળાના સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવવાની માગ કરી હતી.
રાજકોટમાં આટલા વરસાદ થતાની સાથે મનપાની કામગીરીની પોલ ખુલ્લી થઈ પડી ગઈ છે. કારણ કે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, તો કેટલાક વિસ્તારોમાં રોડમાં મોટા-મોટા ગાબડા પડી ગયા હતા. વરસાદના કારણે સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.