MSUની સૌથી વધુ આવક આપતી MRIDને તાળા મારી દેવાની પેરવી
ખાનગી યુનિવર્સિટી અને કોલેજોને ફાયદો કરાવવાનો કારસો હોવાના આક્ષેપ સાથે અધ્યાપકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીને સૌથી વધુ આવક આપતી 'મહારાજા રણજીતસિંહ ગાયકવાડ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (એમઆરઆઇડી)ને યુનિવર્સિટીના સત્તાધીશો તાળા મારી દેવાની પેરવી કરી રહ્યા છે. ખાનગી યુનિવર્સિટી અને કોલેજોને ફાયદો કરાવવાનું આ ગણતરીપૂર્વકનું કાવતરૃ હોવાના ગંભીર આક્ષેપ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પ્રોફેસર સતીશ પાઠકે મુખ્યમંત્રીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે.
વાર્ષિક 17.40 કરોડની આવક આપતી MRID માં ઇન્ફ્રાસ્ટ્રકચર, પીવાનું પાણી, સેનિટેશન બ્લોક, સ્ટૂડિયો જેવી પાયાની સુવિધાનો પણ અભાવ
યુનિવર્સિટીમાં સૌથી વધુ રેવન્ટ જનરેટ કરતી સંસ્થા હોવા છતાં બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, પીવાના શુદ્ધ પાણી અને સેનીટેશન બ્લોકની વ્યવસ્થા, વર્કશોપ માટેના સંસાધનો, સ્ટુડિયો, જરૃરી સાધનોનો અભાવ છે. પુરતો શૈક્ષણિક સ્ટાફ પણ નથી. જેના પરિણામે સૌથી વધુ આવક આપતા બન્ને કોર્ષમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારેખમ ઘટાડો થયો છે. બેચલર ઓફ ડિઝાઇનમાં ૭૦ વિદ્યાર્થીઓની ક્ષમતા છે જેની સામે ૨૨ અને માસ્ટર ઓફ ડિઝાઇનમાં ૨૦ વિદ્યાર્થીઓની ક્ષમતા છે જેની સામે ૧૦ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે.એમઆઇઆઇડી જેવી પ્રતિષ્ઠીત સંસ્થાને બદલે હવે વિદ્યાર્થીઓ વડોદરા આસપાસની અથવા તો રાજ્યની અન્ય ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એડમિશન લઇ રહ્યા છે. આવી સ્થિતિ એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા ઇરાદાપૂર્વ સર્જવામાં આવી હોવાનું જણાઇ રહ્યું છે.
ફીમાં સામેલ હોવા છતાં વિદ્યાર્થીઓને સ્ટડી ટૂર, ઇન્ટર્નશિપ, ક્રાફ્ટ ફેર, વર્કશોપ મટીરિયલ્સ જેવા લાભ અપાતા નથી
એમઆરઆઇડીમાં વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાતી મોટી ફી અંતર્ગત સ્ટડી ટૂર, ઇન્ટર્નશિપ અને ક્રાફ્ટ ફેરનું આયોજન, વર્કશોપ મટીરિયલ્સ અને ઇક્વિપમેન્ટની ખરીદી વગેરેનો પણ સમાવેશ થાય છે પરંતુ બે વર્ષથી આ સંબંધમાં કશુ થયુ નથી તો આ લાખો રૃપિયાની ફીનો વપરાશ ક્યાં થયો તેની તપાશ થવી જરૃરી છે.
લાખોની ફીનો વપરાશ ક્યાં થયો તેની તપાસ જરૃરી, શોષણ થતુ હોવાથી અધ્યાપકો છોડીને જઇ રહ્યા છે