સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ દુધરેજ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
- યોગ્ય ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી
- પાણી, રસ્તા, ભુગર્ભ ગટર, સફાઈ સહિતની સુવિધાઓનો અભાવ: સ્થાનિકોએ રજૂઆત કરી હતી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ દુધરેજ ગામમાં પીવાનું શુધ્ધ પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા સહીતની પ્રાથમિક સુવિધાઓનો અભાવથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સુવિધાઓ આપવા અંગે સ્થાનિકો દ્વારા તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરની નજીક અને મનપામાં સમાવિષ્ટ દુધરેજ ગામને અંદાજે ૩૦ વર્ષ પહેલા સુરેન્દ્રનગર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નગરપાલિકામાં સમાવેશ થયાં બાદ પણ દુધરેજ ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. થોડા સમય પહેલા સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવતા દુધરેજવાસીઓને આશા હતી કે હવે તો પ્રાથમિક સુવિધાઓ મળશે. પરંતુ મહાનગરપાલિકામાં સમાવેશ થયાં બાદ પણ દુધરેજના રહીશો અને મહિલાઓને પીવાનું શુધ્ધ પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા સહીતની પ્રાથમિક સુવિધાઓ આજ દિવસ સુધી ન મળતાં આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે.
પ્રાથમિક સુવિધાઓ આપવા માટે સ્થાનિકો દ્વારા અવાર નવાર મહાનગરપાલિકા રજૂઆત કરવામાં આવી છે તેમજ થોડા દિવસો પહેલા જ સ્થાનિકો દ્વારા પ્રાથમિક સુવિધાઓ મુદે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઇ નક્કર પરિણામ મળવાના બદલે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યા હતાં. દુધરેજ ગામના અનેક વિસ્તારમાં આજે પણ વારંવાર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર ફરી વળે છે અને સતત આવા ગંદા પાણી ભરાઇ રહેતા રોગાચાળાનો પણ ભય રહે છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા આગામી સમયમાં કાર્યવાહી કરવામાં નહી આવે તો દુધરેજ ગામના લોકો અને મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.