શિયાળાના પ્રારંભે બેવડી ઋતુનો અનુભવ : વહેલી સવારે ઠંડીનો ચમકારો તો બપોરે ગરમીનો અહેસાસ
Winter Season : શિયાળાના પ્રારંભે સીઝનમાં ઉષ્ણતામાનનો પારો દિન પ્રતિ દિન ઘટી રહ્યો છે. ઉષ્ણતામાનનો પારો તાજેતરમાં 14 ડિગ્રી સેલ્સિયસ હતો. જે ગઈકાલે નીચે ઉતરીને 13.8 ડિગ્રી થયા બાદ આજે લઘુતમ તાપમાનનો પારો 13.6 ડિગ્રી સેલ્સિયસ થતા વહેલી સવારે ઠંડીના ચમકારામાં વધારો થયો છે. પરંતુ બપોરના સમયે ફરી એકવાર તાપમાનનો પારો ઊંચો જતા ગરમીનો અહેસાસ થાય છે. આમ બેવડી ઋતુના કારણે ખાંસી શરદીના દર્દીઓમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે વર્ષો અગાઉ દિવાળી-નવા વર્ષના તહેવારોમાં ગરમ વસ્ત્રો પહેરવા છતાં ઠંડીથી ઠુઠવાતા લોકો શુભેચ્છા પાઠવવા એક બીજાના ઘરે જતા હતા. પરંતુ, પર્યાવરણના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાથી શિયાળાની ઋતુ હવે પ્રમાણમાં મોડી શરૂ થાય છે. ચાલુ વર્ષે ઠંડીની સિઝનમાં ઉષ્ણતામાનનો પારો સૌ પ્રથમવાર 14 ડિગ્રી સેલ્સિયસથી નીચો 13.6 ડિગ્રી આજે રહ્યો હતો. પરિણામે સિઝનમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. સીઝનમાં અત્યાર સુધી સૌથી નીચું તાપમાન 15.2 રહ્યા બાદ ગઈકાલે સોમવારે 14.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહ્યા બાદ 13.8 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. જેમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે નીચેના તાપમાનમાં 0.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. આમ હવે શિયાળાની ઋતુમાં ઠંડીમાં આજે સામાન્ય વધારો થયો હતો. જોકે બપોરે ઓછામાં ઓછું તાપમાન પ્રમાણમાં વધી જતા ગરમીનો અહેસાસ થાય છે જ્યારે સમી સાંજે ફરી એકવાર ઠંડીનો ચમકારાનો અહેસાસ થાય છે. આમ બેવડી ઋતુના કારણે શરદી અને તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.