પખવાડિયામાં ચોમાસાની વિદાય શરૂ થવા વકી,સૌરાષ્ટ્રમાં સૂકાં હવામાનની આગાહી
ભાદરવી તડકો શરૂ થયો : રાજકોટમાં 35.2 સે., યુ.વી.ઈન્ડેક્સ ઉંચકાયો : રાજ્યમાં હાલ હજુ ઉત્તર-પશ્ચિમનો એકંદરે દરિયાઈ પવનઃ રાજ્યમાં ચોમાસું વિદાયની નોર્મલ તારીખ 20થી 30 સપ્ટે. : ગત વર્ષે 6 ઓક્ટોબરના વિદાય
રાજકોટ, : સૌરાષ્ટ્ર સહિત આજે સમગ્ર રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ શાંત પડી ગઈ છે અને આજે સાંજ સુધીમાં રાજ્યના 251માંથી 250 તાલુકામાં વરસાદ ઝીરો રહ્યો હતો. બીજી તરફ આવતીકાલ તા. 17 સપ્ટેમ્બર એ ચોમાસાની વિદાય શરૂ થવાની સામાન્ય તારીખ છે અને હાલ વરસાદનો વિરામ સાથે ગુજરાત કે અરબી સમુદ્રમાં વરસાદની કોઈ સીસ્ટમ નથી ત્યારે દસ-પંદર દિવસમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરે તેવા એંધાણ છે. બીજી તરફ, મૌસમ વિભાગે તા. 20 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં સુકા હવામાનની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે નૈઋત્યના ચોમાસાની શરૂઆત કેરલથી થાય છે જે આ વર્ષે તા. 30 મેના થઈ હતી. પરંતુ, તેની વિદાયની શરૂઆત કચ્છ અને રાજસ્થાનથી સામાન્યતઃ તા. 17 સપ્ટેમ્બરથી થાય છે.
ગુજરાતમાંથી ચોમાાસા વિદાયની નોર્મલ તારીખ 20થી 30 સપ્ટેમ્બર છે. પરંતુ, ગત વર્ષ 2023માં ચોમાસુ લંબાયૂું હતું અને રાજસ્થાનના આંશિક ભાગમાંથી તા.25 સપ્ટેમ્બરે વિદાય શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર જારી રહ્યું હતું અને કચ્છ અને અર્ધા સૌરાષ્ટ્રમાંથી એક સાથે તા. 3 ઓક્ટોબરે ચોમાસાએ વિદાય લીધી હતી અને સમગ્ર ગુજરાતને તા.6 ઓક્ટોબરે વર્ષાઋતુએ આવજો કહ્યું હતું.
દરમિયાન ચોમાસાની વિદાય જાહેર કરવા માટે હાલ વરસાદ બંધ પડવાનું એક પરિબળ અનુકૂળ છે પરંતુ, ભેજનું પ્રમાણ જે ઘટવું જોઈએ તે દિવસે 50 ટકા અને સવારે 90 ટકા સુધી રહે છે. ઉપરાંત પાણીવગરના પણ છૂટાછવાયા વાદળો હજુ જારી છે. રાજ્યમાં પવન પૂર્વ કે ઉત્તરનો નહીં પરંતુ, હાલ પશ્ચિમ અને પશ્ચિમોત્તરનો છે અને એકંદરે અરબી સમુદ્ર પરથી આવતો આ પવન જારી રહેવાની શક્યતા છે.
મૌસમ વિભાગ અનુસાર હવે ભારે વરસાદની તો કોઈ આગાહી નથી જ્યારે તા. 19 સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાં વરસવા અને તા. 20ના સૌરાષ્ટ્રમાં સુકુ હવામાન રહેવાની આગાહી છે. આમ, એકંદરે જો આઠ-દસ દિવસમાં કોઈ નવી સીસ્ટમ ન રચાય તો ચોમાસાની વિદાય શરૂ થઈ જશે.
વરસાદી વિરામથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો છે, વળી, આ ભાદરવા માસનો તડકો વધુ તીવ્ર અનુભવાતો હોય છે. રાજ્યમાં સર્વાધિક તાપમાન રાજકોટમાં 35.2 સે. નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભૂજ, ભાવનગર, અમરેલી સહિત મોટાભાગના સ્થળે પારો 33 સે.ને પાર રહ્યો હતો. આ સાથે સૂર્યના કિરણોની વેધકતા દર્શાવતો યુ.વી. ઈન્ડેક્સ પણ 8ને પાર થઈ ગયો છે.