સિવિલમાં રેસીડેન્ટ ડોક્ટરની દારૃના નશામાં ધમાલ, વિડીયો વાયરલ
- નશામાં ભાન ભૂલેલા રેસીડેન્ટ ડોક્ટરો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડયું : કડક કાર્યવાહી કરવાની માંગણી
સુરત :
ગુજરાતમાં દારૃબંધી વચ્ચે શહેરમાં પાલિકાની સ્મીમેર હોસ્પિટલ અને સરકારી ખાતે દારૃની છૂટ હોય તેવું લાગી રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં થાઇ યુવતીના મામલે ખળભળાટ મચ્યો ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ અમુક રેસિડેન્ટ ડોક્ટરો દારૃ પીને ધમાલ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોને રહેવા માટે સિવિલ કેમ્પસમાં હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે અમુક રેસિડેન્ટ ડોક્ટરો હોસ્ટેલના રૃમમાં ઐયાસી કરવા માટે અડ્ડો બનાવી દીધો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં એક વિડીયો વાયરલ થયો છે કે, જેમાં હોસ્ટેલના એક રૃમમાં કેટલાક ડોક્ટરો દ્વારા દારૃની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં પણ વીડિયોમાં દારૃની બોટલની સાથે ચખનાના પેકેટ પણ જોવા મળી રહ્યા છે.
એટલું જ નહીં પણ દારૃની મહેફિલ બાદ ભાન ભૂલેલા અમુક ડોક્ટરો કોઇ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ સરકારની હોસ્ટલ કે અન્ય સંપતિની તોડફોડ કરીને નુકસાન પહોંચાડતા હોવાનું પણ સૂત્રએ જણાવ્યું હતું. કોલેજ દ્વારા આ દિશામાં તપાસ કરી આ પ્રકારના ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ છે.
- સિવિલ કેમ્પસમાં પોલીસ ચોકી છે પણ બિન્ધાસ્ત દારુ પીવાય છે
નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ રૃમ પાસે સુરક્ષા કે સલામતી સહિતના મુદ્દે પોલીસ ચોકી બજાવામાં આવી છે. તેવા સમયે સિવિલ કેમ્પસમાં કેટલાક વ્યકિતએ બહારથી કાર કે અન્ય વાહનો લઇને આવીને દારૃ પી જતા રહેતા હોવાનું પણ ચર્ચા રહ્યુ છે. જયારે કવાર્ટસ કે હોસ્ટેલમાં અમુક રૃમમાં દારૃની પાર્ટી કે મહેફિલ માળતા હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. જેના લીધે સિવિલ કેમ્પસમાં ઘણી જગ્યાએ દારૃની ખાલી બોટલ પડેલી દેખાય છે.