વડોદરામાં રાત્રિ બજાર નજીક ટોઈંગ કરેલી કાર સાથે નશામાં ચૂર બીજી કારના ચાલકે અકસ્માત કર્યો
Vadodara Accident : વડોદરા મોડી રાતે ફુલ સ્પીડે વાહનો ચલાવી અકસ્માત કરવાના બનાવો સતત ચાલુ રહેતા હોય છે. જે દરમિયાન ગઈ રાત્રે કારેલીબાગમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો.
અમદાવાદના સેટેલાઈટ રોડ વિસ્તારમાં શ્રીધર એપાર્ટમેન્ટ ખાતે રહેતા માલવભાઈ ઠક્કરે પોલીસને કહ્યું છે કે ગઈ રાત્રે હું કાર લઈને પત્ની તેમજ બાળક સાથે વડોદરા આવતો હતો તે દરમિયાન વાસદ નજીક મારી કાર બગડી જતા ટોઈંગ કરાવીને કારને કારેલીબાગ લાવી રહ્યો હતો.
આ દરમિયાન રાત્રે 12:15 વાગ્યાના અરસામાં મંગલ પાંડે રોડ પાસે ફુલ સ્પીડે પાછળથી ધસી આવેલી બીજી એક કારે મારી ટોઈંગ કરેલી કાર સાથે ધડાકાભેર અકસ્માત કર્યો હતો.
ત્યારબાદ કાર ચાલકે મારી સાથે ગાળાગાળી પણ કરી હતી. જેથી મેં પોલીસને બોલાવતા કારચાલક સુધીર લીલાધર ભાઈ ખીરસરીયા (શ્રી સિધ્ધનાથ પ્લેટિનિયમ, તુલસી હાઈટ્સ નજીક,વાઘોડિયારોડ,વડોદરા) નશામાં જણાઈ આવ્યો હતો. જેથી પોલીસે તેની સામે દારૂ પી કાર ચલાવવા બદલ તેમજ અકસ્માતના બે અલગ અલગ ગુના દાખલ કરી કાર કબજે લીધી હતી.