બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા
Vadodara Accident: વડોદરા શહેરના વડસર બ્રિજ ખાતે નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લઈ ભાગવા જતા અન્ય એક કારને ટક્કર મારી અકસ્માત સર્જતા લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આ અકસ્માતમાં દંપતીનો માંડ જીવ બચ્યો છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 13 માર્ચની રાત્રે રક્ષિત ચોરસીયાએ ગમખ્વાર અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લઇ આઠ લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. રક્ષિતે અકસ્માત સર્જતા પહેલા મિત્રો સાથે ગાંજાનો નશો કર્યો હોવાનુ રિપોર્ટમાં ખુલ્યું છે. તેવામાં બીજો રક્ષિતકાંડ થતો રહી ગયો છે.
આ પણ વાંચો: વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો
શુક્રવારે રાત્રે (4 એપ્રિલ) વડસર બ્રિજ ઉતરતા પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે એક્ટિવા સવાર દંપતિને પાછળથી ટક્કર માર્યા બાદ કારચાલક ભાગવા જતા અન્ય એક કાર સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ કારચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. કારચાલક નશામાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ અકસ્માતમાં એક્ટિવા સવાર દંપતિને હાથ પગના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી છે. જ્યારે એક્ટિવા અને અન્ય કારને અકસ્માતમાં નુકસાન પહોંચ્યું હતું. ભોગ બનનાર કારચાલક અને દંપતી અકસ્માત સર્જનાર કારચાલક પર સામે ફરિયાદ નોંધાવવા માજલપુર પોલીસ મથકે પહોંચ્યા હતા.