ડ્રગ્સનો 'દરિયો': દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના 40 પેકેટ મળ્યા, કિંમત 20 કરોડને પાર હોવાનું અનુમાન
Drugs Found In Dwarka: દ્વારકા નજીકના દરિયાકાંઠેથી નશીલા પદાર્થનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે (15મી જૂન) પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠથી 40 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતી. જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા જેટલી થાય છે. નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં ચરસના આશરે 100 જેટલાં પેકેટ મળ્યા છે. જેની કિંમત 50 કરોડ સુધીની હોવાનું અનુમાન છે.
આગાઉ ચરસનાં 30 પેકેટ મળ્યા હતા
થોડા દિવસો પહેલાં રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસનાં 30 પેકેટનો જથ્થો મળી આવ્યો હતો, જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. ત્યારબાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડની કિંમતનો 32 કિલો ચરસનો જથ્થો મળ્યો હતો. આજે દ્વારકા તાબેના વાંચ્છું ગામ વિસ્તારમાં આવેલા દરિયાકિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો પોલીસને મળ મળ્યો હતો.
ડ્રગ્સ માફિયાઓનો નવો પેતરો
ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે. જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગ્સ માફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.